ઉના-વેરાવળ રોડ પર ત્રિપલ અકસ્માતઃ ટ્રકે પાછળથી ટક્કર મારતા બાઈક રિક્ષામાં ઘુસ્યું, નજર સામે પુત્રીનું મોત ભાળી માતા બેભાન

ગીર-સોમનાથના ઉના-વેરાવળ રોડ પર ટ્રકે બાઈકને ટક્કર મારતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે માતા બેભાન થઈ ગયા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 Oct 2026 04:42 PM (IST)Updated: Wed, 28 Oct 2026 04:42 PM (IST)
una-veraval-road-triple-accident-speeding-truck-hits-bike-girl-dies-on-spot

Una Veraval Road Accident: ગીર-સોમનાથ જિલ્લાના ઉના-વેરાવળ રોડ પર ખાણિયાધાર નજીક પુરપાટ જતાં ટ્રકે બાઈકને પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર માતા સહિત પુત્ર અને પુત્રી નીચે પટકાયા હતા. જે પૈકી પુત્રીનું સ્થળ પર જ કમકમાટીભર્યું જ મોત નીપજ્યું હતુ.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કાજરડી ગામમાં રહેતા પ્રિતમ વાળા બાઈક પર માતા પાંચીબેન અને બહેન પ્રતિજ્ઞાને લઈને ઉનામાં રહેતા સગાને ત્યાં બાળકનો જન્મ થયો હોવાથી અભિનંદન આપવા જઈ રહ્યા હતા. તેઓ ખાણિયાધાર નજીક પહોંચ્યા, ત્યારે જ પાછળથી પુરપાટ ગતિએ આવતા ટ્રકના ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલક પ્રિતમે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક આગળ જતી રિક્ષા સાથે ધડાકાભેર ભટકાયું હતુ.

આ અકસ્માતમાં બાઈક પર સવાર પ્રિતમ માતા અને બહેન સાથે ફૂટબોલ માફક ફંગોળાઈને નીચે પટકાયો હતો. જેમાં પ્રતિજ્ઞાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે નજર સામે જ પુત્રીનું મોત ભાળીને માતા પાંચીબહેન સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો, પરંતુ આ સમયે ત્યાંથી પસાર થતાં અન્ય લોકોએ પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો.


બીજી તરફ આ બનાવની જાણ થતાં ઉના પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સમાં માતા-પુત્રને ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પ્રતિજ્ઞાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ તો ઉના પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. .