Ambalal Patel Weather Forecasts: બંગાળની ખાડીમાં સક્રિય થયેલું અર્નબ વાવાઝોડું (Cyclone Arnab Update) 28 ઓક્ટોબર સવાર સુધીમાં બાપટલા અને વિશાખાપટ્ટનના કાંઠે ટકરાઈ શકે છે, જેના પગલે દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ માછીમારોને 29 ઓક્ટોબર સુધી દરિયામાં ના જવાની સલાહ આપવામાં આવી છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ વાવાઝોડાની ગુજરાતના હવામાન કેવી અસર થશે, તેને લઈને માહિતી આપી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, હવે અર્નબ વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. જેના પગલે આગામી 48 કલાકમાં દેશના અનેક ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે. આ વાવાઝોડાની અસર લગભગ અડધા દેશના ભાગોમાં જોવા મળી શકે છે.
જો ગુજરાતની વાત કરીએ તો, પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, મહીસાગરના ભાગોમાં વાવાઝોડાની અસર થશે. આ સિવાય અરવલ્લી અને સાબરકાંઠાના કોઈ-કોઈ ભાગોમાં વાવાઝોડાની અસર વર્તાશે.
જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને વલસાડમાં વાવાઝોડાની વધુ અસર જોવા મળી શકે છે. તેમજ સૌરાષ્ટ્રના પણ ભાવનગર, અમરેલી અને જૂનાગઢના ભાગોમાં અર્નબ વાવાઝોડાના કારણે હવામાનમાં પલટો આવી શકે છે.
છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા હોવાથી જળસંકટ યથાવત
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ગુજરાતના ભાગોમાં વાદળવાયુ રહેશે, તો કોઈ-કોઈ ભાગોમાં વરસાદ પણ પડી શકે છે. જો કે આ વરસાદથી ગુજરાતમાં જળસંકટ ઓછું થવાના કોઈ એંધાણ નથી, પરંતુ હવામાનમાં પલટો આવવાથી છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
અર્નબ વાવાઝોડું ભીષણ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતાને જોતા હવામાન વિભાગ દ્વારા આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ, તમિલનાડુ અને પુડુચેરીમાં એલર્ટ જાહેર કર્યું છે. ઓડિશામાં 29 ઓક્ટોબર સુધી શાળા-કોલેજોમાં જાહેર રજા આપી દેવામાં આવી છે. તેમજ 60 જેટલી રેસ્ક્યુ ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. આ વાવાઝોડાની અસર માત્ર પૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યો જ નહીં, પરંતુ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના 10 રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
