અર્નબ વાવાઝોડું વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશથી યુપી સુધી ભારે વરસાદ અને પવનની ચેતવણી

બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાત અર્નબ આજે આંધ્રપ્રદેશના તટ સાથે ટકરાશે. જાણો ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ સુધી તેની કેવી અસર રહેશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 27 Oct 2026 11:47 PM (IST)Updated: Wed, 28 Oct 2026 12:01 AM (IST)
cyclone-arnab-live-tracker-path-heavy-rain-and-storms-alert-from-andhra-pradesh-to-up

Cyclone Arnab: બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' (Cyclone Arnab) હવે અત્યંત પ્રચંડ અને ખતરનાક રૂપ ધારણ કરી ચૂક્યું છે. આ વાવાઝોડાની માત્ર તાકાત જ નહીં પરંતુ તેનો પ્રભાવ વિસ્તાર પણ સતત વધી રહ્યો છે. બુધવારે જ્યારે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સાથે ટકરાશે, ત્યારે પવનની ઝડપ અંદાજે 150 કિલોમીટર પ્રતિ કલાક અને તેના ભારે સપાટા (ઝોંકા) 170 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. આ કુદરતી આપદાને પગલે પૂર્વ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની વ્યાપક શક્યતાઓ સેવાઈ રહી છે.

આંધ્રપ્રદેશના તટ સાથે ટકરાશે વાવાઝોડું, 170 કિમીની ઝડપે ફૂંકાશે પવન

ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આ અતિ પ્રચંડ ચક્રવાતી વાવાઝોડું હાલમાં બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમની આસપાસ પહોંચી ગયું છે. બુધવારે બપોરે તે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે તેવી પ્રબળ સંભાવના છે.

એનડીઆરએફ (NDRF)ની તૈનાતી

તટીય રાજ્યોમાં સંભવિત વિનાશને રોકવા અને રાહત-બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે NDRFની 31 વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.

વિવિધ રાજ્યોમાં હાઈ એલર્ટ અને વ્યાપક અસર

આ ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ રાજ્યોમાં વહીવટી તંત્રને સંપૂર્ણપણે એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

આંધ્રપ્રદેશ: શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ અને કાકીનાડા સહિતના તટીય જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની સંભાવના હોવાથી લોકોને દરિયાકિનારે ન જવા અને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસી જવા સૂચના અપાઈ છે.

ઓડિશા: ગજપતિ અને નબરંગપુર જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સલામતીના ભાગરૂપે આઠ જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

છત્તીસગઢ અને ઝારખંડ: છત્તીસગઢના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે. જ્યારે ઝારખંડમાં આગામી ત્રણ દિવસ સુધી ખરાબ હવામાન રહેવાની શક્યતાને પગલે રાંચી, ખૂંટી, સિમડેગા, ગુમલા અને લોહરદગા જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.

 

પૂર્વ, મધ્ય અને ઉત્તર ભારતમાં વરસાદી માહોલ

ચક્રવાત અર્નબ નો પ્રભાવ માત્ર દક્ષિણ કે પૂર્વ ભારત સુધી જ સીમિત નહીં રહે, પરંતુ ઉત્તર પ્રદેશ સુધી તેની અસર જોવા મળી શકે છે.

ઉત્તર પ્રદેશ અને દિલ્હી: યુપીમાં 29 થી 30 ઓક્ટોબર દરમિયાન અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે. ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આ તારીખે હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દિલ્હી, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં પણ ક્યાંક-ક્યાંક વરસાદ પડી શકે છે.

તાપમાનમાં ઘટાડો અને રેલવે વ્યવહાર: ગાજવીજ અને તેજ પવનોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. સુરક્ષાના ભાગરૂપે વિજયવાડા અને વિશાખાપટ્ટનમ રેલ મંડળોમાં રેલવે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને આશરે 600 કિલોમીટર લાંબા રેલમાર્ગ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

વાવાઝોડું અર્નબનું આ વિકરાળ સ્વરૂપ જનજીવન, રેલવે પરિવહન અને કૃષિ ક્ષેત્ર માટે મોટો પડકાર બનીને ઉભર્યું છે. સરકારી એજન્સીઓ અને સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે નાગરિકોને પણ હવામાન વિભાગની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

ચક્રવાત અર્નબ લાઈવ ટ્રેકર

જો તમે ચક્રવાત અર્નબની લાઈવ મૂવમેન્ટ, પવનની દિશા અને વરસાદના લાઇવ રડાર નકશા પર નજર રાખવા માંગતા હોવ, તો તમે લાઈવ ટ્રેકર લિંક- Windy Live Cyclone Trackerનો ઉપયોગ કરી શકો છો.