તાલાલામાં મેડિકલ ચમત્કાર: 7 માસે જન્મેલા બાળકને 75 મિનિટ CPR આપી નવજીવન આપ્યું

ગીર સોમનાથના તાલાલાની મારુતિનંદન હોસ્પિટલમાં 7 માસે જન્મેલા બાળકના છઠ્ઠા દિવસે ધબકારા બંધ થતાં તબીબોએ 75 મિનિટ સુધી CPR અને એડ્રેનાલિન ઇન્જેક્શન આપી નવજીવન આપ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 28 Oct 2026 07:32 AM (IST)Updated: Wed, 28 Oct 2026 07:32 AM (IST)
talala-premature-newborn-baby-saved-after-75-minutes-cpr-marutinandan-hospital

Gir Somnath News: ગીર સોમનાથના તાલાલા તાલુકામાં આવેલી મારુતિનંદન હોસ્પિટલમાં એક અદભુત અને ચમત્કારિક ઘટના સામે આવી છે. જન્મના છટ્ટા દિવસે જ શ્વાસ અને ધબકારા થંભી ગયા બાદ બાળરોગ નિષ્ણાતોની ટીમે સતત સવા કલાક સુધી સીપીઆર આપીને અને એડ્રેનાલિન ઈન્જેક્શનની મદદથી સાત માસના અધૂરા મહિને જન્મેલા બાળકને નવજીવન આપ્યું છે. તબીબોની અથાક મહેનત અને પરિવારની શ્રદ્ધાથી રામ ચાખે તેને કોણ રાખે કહેવત અહીં અક્ષરશ: સાચી સાબિત થઈ છે.

બે ગર્ભપાત બાદ મળી સફળતાં

મંડોર ગામના નિવાસી આશાબેન પરેશભાઈ ગોહિલને અગાઉ અન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાંચમા મહિને બે વખત ગર્ભપાત થઈ ગયો હતો. સંતાન સુખ મેળવવા માટે તેમણે તાલાલાની મારુતિનંદન હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. અંજના બાલાજીની સલાહ લીધી. ડૉક્ટરોની યોગ્ય સારવાર અને દેખરેખને કારણે, હાઈ બ્લડ પ્રેશરની ગંભીર તકલીફ હોવા છતાં ગર્ભમાં બાળકનો 7 મહિના સુધી સફળ વિકાસ શક્ય બન્યો હતો.

છઠ્ઠા દિવસે થંભી ગયા ધબકારા

નાજુક સ્થિતિમાં જન્મેલા બાળકની સ્થિતિ સામાન્ય રહી હતી ત્યાં જ જન્મના છઠ્ઠા દિવસે અચાનક બાળકને અપ્નિયાની ગંભીર અસર થઈ. જોતજોતામાં બાળકના ધબકારા અને શ્વાસ સંપૂર્ણપણે થંભી ગયા. હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ. પરાગ નિમાવત અને તેમની નર્સિંગ ટીમે તાત્કાલિક ધોરણે બાળકના ગળામાં ટ્યુબ મૂકી કૃત્રિમ શ્વાસ આપવાનું શરૂ કર્યું.

CPR અને એડ્રેનાલિન ઇન્જેક્શનનો ચમત્કાર

સામાન્ય રીતે મેડિકલ પ્રોટોકોલ મુજબ 30 મિનિટ સુધી CPR આપ્યા બાદ પણ પ્રતિસાદ ન મળે તો દર્દીને મૃત જાહેર કરવામાં આવતો હોય છે. પરંતુ તાલાલા મારુતિનંદન હોસ્પિટલની ટીમે હાર ન માની સતત સવા કલાક (75 મિનિટ) CPR: ટીમે સતત બાળકને કાળજીપૂર્વક છાતી પર પંપ કરી કૃત્રિમ ધબકારા ચાલુ રાખ્યા. આ દરમિયાન એડ્રેનાલિન અને અન્ય જરૂરી સંજીવની સમાન ઇન્જેક્શન આપવામાં આવ્યા.

ઓક્સિજન લેવલ 30% થી વધી 92%: અચાનક બાળકના ધબકારા પાછા આવ્યા. સવા કલાકની ભારે જહેમત બાદ બાળકના જીવમાં જીવ આવતા માતા-પિતા સહિત સમગ્ર હોસ્પિટલ સ્ટાફમાં આનંદ અને હર્ષની લાગણી છવાઈ ગઈ છે.