Limbasi Chemical Factory Pollution: ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી વિસ્તારમાં આવેલી ‘કોનકોર્ડ બાયોટેક લિમિટેડ’ નામની દવા બનાવતી ફેક્ટરી દ્વારા ઝેરી વાયુ છોડવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. પ્રદૂષિત હવાના કારણે લીંબાસી સહિત આસપાસના ચાર ગામોના અંદાજે 40 હજાર જેટલા રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ફેક્ટરીના વલણ સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા અને કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મોડી રાત્રે ઝેરી વાયુ છોડતા હોવાનો આક્ષેપ
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કોનકોર્ડ બાયોટેક લિમિટેડ કંપની દ્વારા મોડી રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા દરમિયાન ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત ઝેરી વાયુ મુક્ત કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે અને ગૂંગળામણ ભર્યું વાતાવરણ સર્જાય છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં અતિશય તકલીફ પડી રહી છે.
4 ગામના ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી
આ પ્રદૂષણ અંગે ગ્રામજનો તથા સ્થાનિક સરપંચ દ્વારા ભૂતકાળમાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં, ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે, ભૂતકાળમાં RTI હેઠળ કંપનીના ઓડિટ રિપોર્ટ અને વપરાતા કેમિકલ અંગે વિગતો માંગવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કાયદાકીય માહિતી છુપાવવાનો પ્રયાસ કરાયો છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં કંપની સામે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો તેઓ ચક્કાજામ અને ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.
સમગ્ર મામલે GPCB અધિકારીઓની પ્રતિક્રિયા
બીજી તરફ, આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઈન્ચાર્જ રીજીયોનલ ઓફિસર એમ. યુ. પટેલ અને રીજીયોનલ ઓફિસર માર્ગીબેન પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે કરવામાં આવેલી તપાસ દરમિયાન કોઈ વિશેષ દુર્ગંધ જોવા મળી નહોતી. જોકે, ઉકેલરૂપે કંપનીને ફોગર સિસ્ટમ કાર્યરત કરવા સૂચના આપવામાં આવી છે અને સમગ્ર તપાસનો વિસ્તૃત રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને મોકલી આપવામાં આવ્યો છે.
