Vadodara: ઘરકંકાશનો કરૂણ અંજામઃ પત્નીએ ચુંદડી વડે ગળે ટૂંપો આપી પતિને મોતને ઘાટ ઉતાર્યા બાદ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

સગીર દીકરાએ માસા અને માસીને બોલાવી બંધ દરવાજો તોડતા પિતા નગ્ન અવસ્થામાં બેડ નીચે, જ્યારે માતા ચુંદડી વડે લટકતી હાલતમાં મળી આવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 09 Sep 2025 09:22 PM (IST)Updated: Tue, 09 Sep 2025 09:22 PM (IST)
vadodara-news-wife-killed-husband-and-commit-suicide-in-fategunaj
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • પત્નીનો સ્વભાવ ચિડિયો અને ગુસ્સાવાળો હતો અને તે પતિ સાથે ઝઘડા કરતી
  • મૃતક દંપતીના પુત્રની ફરિયાદના આધારે ફતેગંજ પોલીસની કાર્યવાહી

Vadodara: છાણી જકાતનાકા નજીક વાસુપાર્ક સોસાયટીમાં દંપતીનો ભેદી સંજોગોમાં આપઘાત કરવાના બનાવમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. જેમાં ઝઘડો થતા પત્નીએ ચુંદડી વડે ગળે ટૂંપો આપી પતિને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ મામલે મૃત દંપતીના પુત્રની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શેર બ્રોકર તરીકે કામ કરતાં વિશાલ પરમાર (44), પત્ની ભાવિતાબેન અને 17 વર્ષના સંતાન સાથે વાસુપાર્ક સોસાયટીમાં રહેતા હતા. ગત 6 સપ્ટેમ્બરના રોજ પતિ-પત્ની પરિવારના અન્ય સભ્યો સાથે ગણપતિ વિસર્જનમાં ગયા હતા. જ્યાં પતિ દારૂ પી જશે, તેમ લાગતા મોડી રાતે પત્નીએ ઝઘડો કર્યો હતો.

આ સમયે તેમનો સગીર પુત્ર ઉપરના માળે જઈને સૂઈ ગયો હતો. સવારે પુત્ર ઉઠ્યો, ત્યારે માતા-પિતાએ રૂમનો દરવાજો પણ ખોલતા નહતા કે ફોન પણ ઉપાડતા નહતા. આથી પુત્રએ માસીને ફોન કરતાં તેમણે લાઈટની મેઈન સ્વીચ બંધ કરવાનું કહ્યું હતુ. જેથી એસી બંધ થતાં દંપતી જાગીને દરવાજો ખોલે.

આ દરમિયાન ફરિયાદીના માસી અને માસા પણ ઘરે આવી પહોંચ્યા હતા. જેમણે દરવાજો તોડીને અંદર જોતા વિશાલ પરમાર દરવાજા પાસે બેડની નીચે નગ્ન હાલતમાં પડ્યા હતા. જ્યારે ભાવિતાબેને પંખે ચુંદડી વડે ફંદો બનાવીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી GMRS હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જેના રિપોર્ટમાં વિશાલનું મોત ગળું દબાવવાથી, જ્યારે ભાવિતાબેને ગળે ફાંસો ખાધો હોવાનું ખુલ્યું હતુ.

આ મામલે પુત્રએ જણાવ્યું કે, માતાનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો હતો. તે અવારનવાર ઝઘડો કરતી હતી.આથી ઘરકંકાશના કારણે આવેશમાં આવીને માતાએ જ પિતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ જિંદગી ટૂંકાવી છે.