Surat: પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ખાડી પુલ પર દુપટ્ટાનો ફંદો બનાવી ફાંસો ખાધો, 3 સંતાનોને ખાડીમાં ફેંક્યા હોવાની આશંકા

પશ્ચિમ બંગાળની જૈનુનીશા 3 સંતાનો સાથે ઘરેથી નીકળી હતી. ખાડી દરિયા સાથે જોડાતી હોવાથી ડ્રોન અને બોટની મદદથી બાળકોની શોધખોળ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 09 Sep 2025 08:43 PM (IST)Updated: Tue, 09 Sep 2025 11:06 PM (IST)
surat-news-wife-commit-suicide-after-fight-with-husband-by-hang-her-self
HIGHLIGHTS
  • 23 ઓગસ્ટે ગભેણી ખાડી પર ફાંસો ખાધેલી હાલતમાં મળેલી અજાણી મહિલાની ઓળખ થઈ
  • પલસાણામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કરતા પતિએ પત્નીની લાશને ઓળખી બતાવી

Surat: ગત 23 ઓગસ્ટના રોજ સુરતના સચિન GIDC ગભેણી ચોકડી સ્થિત ખાડી પુલ પર પાણીની પાઈપ લાઈનની એંગલ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. પોલીસ તપાસના અંતે મહિલાની ઓળખ થઇ છે. જ્યારે તેની સાથે રહેલા 3 બાળકો ગુમ હોવાથી પોલીસ દ્વારા ડ્રોન અને બોટની મદદથી ખાડીમાં તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ નથી મળી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 23 ઓગસ્ટના રોજ સચિન જીઆઈડીસી નજીક ગભેણી ચોકડી સ્થિત ખાડી પુલ ઉપર પાણીની પાઈપ લાઈનની એંગલ સાથે અજાણી મહિલા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ દરમ્યાન 30 ઓગસ્ટના રોજ મહિલાની ઓળખ મૂળ પશ્ચિમ બંગાળની વતની જૈનુનીશા (25) તરીકે થઇ હતી. મહિલાની ઓળખ પલસાણા ખાતે રહેતા અને કન્ટ્રકશન સાઈટ પર મજૂરી કામ કરતા તેના પતિ મહેબુબ આલમ સમસુલ હકએ કરી હતી.

પોલીસે તેની પૂછપરછ કરતા ગત 22 ઓગસ્ટના રોજ ઝઘડો થતા જૈનુનીશા તેના 3 સંતાનમાં આયશા પરવીન [ઉ.5] તોહીદ આલમ [ઉ.3] અને દોઢ મહિનાના સરફરાઝ સાથે ઘર છોડીને ચાલી ગઈ હોવાનું જણાવ્યું હતું.

મહિલા ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી, પરંતુ તેના 3 બાળકોનો હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પોલીસ દ્વારા બોટ મંગાવીને ખાડીમાં પણ તપાસ કરાઈ હતી. આ સાથે જ ડ્રોનથી ઝાડી ઝાંખરા વિસ્તારમાં પણ તપાસ કરાઈ હતી પરંતુ બાળકોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.

આ અંગે DCP રાજેશ પરમારે જણાવ્યું કે, ગત 23 ઓગસ્ટના રોજ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મૃત મહિલા પશ્ચિમ બંગાળની વતની હતી, આ મામલે તપાસ ચાલુ હતી. આ દરમ્યાન 30 તારીખે તેનો પતિ પોલીસ મથકે આવ્યો હતો અને જણાવ્યું હતું કે, મહિલા તેની પત્ની છે અને તેની સાથે 3 બાળકો પણ હતા. જે બાદ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી

3 બાળકો ગુમ થયા છે તે મામલે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ગતરોજથી વરસાદ ઓછો થયા બાદ અહિયાં SMC પાસેથી બોટ મંગાવીને તપાસ કરાઈ હતી. અમને આશંકા છે કે, જેનુનિસાએ સંતાનોને ખાડીમાં ફેંકી દીધા બાદ ફાંસો ખાધો હોય. કદાચ બાળકો ખાડીમાં ડૂબી ગયા હોય અને આજે અહિયાં ઝાડી ઝાંખરા વાળા એરિયામાં ડ્રોનથી તપાસ કરવામાં આવી રહી છે.