Vadodara: વડોદરા નજીક આવેલા આજવા સરોવરમાં ઉપરવાસમાં પંચમહાલ જિલ્લામાં નોંધાયેલા ભારે વરસાદના પગલે સરોવરના લેવલમાં સતત વધારો નોંધાયો છે. સરોવરની સપાટી 211.49 ફૂટે પહોંચી જતા ગત મોડી રાત્રે 11:30 વાગ્યે સુરક્ષા પગલાં હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 62 દરવાજા ખોલવામાં આવ્યા છે.
આ પગલાને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 9.64 ફૂટે પહોંચી છે. કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, જો વિશ્વામિત્રી નદીની સપાટી 14 ફૂટે પહોંચશે અથવા આજવા સરોવરની સપાટી 211 ફૂટને સ્પર્શશે, તો તરત જ દરવાજા બંધ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો
જળ સ્તર નિયંત્રણ માટે 14 હાઈ પાવર પંપ લગાવ્યા છે, જે જરૂર પડે ત્યારે ચાલુ કરવામાં આવશે. હાલમાં વીજળી બચાવ અને વરસાદ ન હોવાથી પંપ બંધ રાખીને દરવાજાઓ ખોલવાની વિધિ અપનાવવામાં આવી છે.
આજવા સરોવરનું પાણી સૂર્યા નદી મારફતે વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને પૂર જેવી પરિસ્થિતિથી નગરજનોને સુરક્ષિત રાખવા માટે તમામ પગલાં લઇ રહ્યું છે.
