Vadodara: ઓડિશામાં યુનિવર્સિટીના HOD દ્વારા એક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરાયા હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પીડિતાએ ફરિયાદ નોંધાવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ ન લેતાં હતાશ થઈ તેણે આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હ્રદયવિદ્રાવક ઘટનાને લઇ આજે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બહાર નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
આ પણ વાંચો
NSUIના કાર્યકરો દ્વારા ન્યાયની માંગ સાથે રસ્તા પર બેસીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તેમણે સત્તાધારી ભાજપ સરકાર સામે તીખો રોષ પ્રગટ કરતાં જણાવ્યું કે “બેટી બચાઓ, બેટી પઢાઓ” માત્ર નારા પૂરતા છે, જ્યારે વાસ્તવમાં દેશની બેટીઓ અસુરક્ષિત છે.
આ ઘટનાને લઈને NSUIના પ્રદેશ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે સરકારના શાસનમાં મહિલાઓ માટે ન્યાય મેળવવો મુશ્કેલ બની રહ્યો છે અને ભવિષ્યના ઘડવૈયાઓ હોય તેવી વિદ્યાર્થીનીઓ પણ અત્યાચારનો ભોગ બની રહી છે.
વિરોધ પ્રદર્શન દરમ્યાન NSUIના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. ટ્રાફિકજામને ધ્યાને લઇ પોલીસ દળોએ કાર્યવાહી કરતાં લગભગ 10 જેટલા NSUI કાર્યકરોની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.
