પ્રશાંત ગજ્જર, Vadodara News: શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકોને મૂળભૂત જરૂરિયાત એવા પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં આવેલા ચંદ્રપ્રભા નગર વુડા (VUDA) આવાસના રહીશો છેલ્લા 15 દિવસથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પીવાના અને ઘરગથ્થુ વપરાશ માટે પૂરતું પાણી ન મળતા સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને તંત્ર સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.
2 અઠવાડિયાથી પૂરવઠો ખોરવાયો, મહિલાઓ-વડીલો પરેશાન
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી વિસ્તારમાં નિયમિત પાણી પુરવઠો સાવ ખોરવાઈ ગયો છે. રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં પરિવારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને વડીલોને પાણી મેળવવા માટે ભારે દોડધામ કરવી પડી રહી છે.
સ્થાનિક રહીશ હેમા જાદવે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી પાણીની અછતને લીધે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તંત્ર વહેલી તકે આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવે તે જરૂરી છે.
મહિલા કાઉન્સિલરે જાતે ટેન્કર ચલાવ્યું
રહીશોની આ વેદના વચ્ચે આજે વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ ચંદ્રપ્રભા નગરની મુલાકાતે પહોંચ્યા હતા. સ્થાનિકોને તાત્કાલિક રાહત આપવા માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, મહિલા કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ પોતે પાણીનું ટેન્કર ચલાવીને વિસ્તારમાં પહોંચ્યા હતા. જાતે ડ્રાઇવિંગ સીટ સંભાળીને પાણી પહોંચાડવાના આ અનોખા પ્રયાસને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.
વડોદરા: વોર્ડ-14 ના ચંદ્રપ્રભા નગરમાં પાણી માટે ત્રાહિમામ, કોંગ્રેસના મહિલા કાઉન્સિલર જાતે ટેન્કર ચલાવી મદદે પહોંચ્યા#vadodaranews #vadodara #Gujaratnews #GujaratiJagran pic.twitter.com/A9WHAu0sxi
— Gujarati Jagran (@gujaratijagran) June 6, 2026
પાલિકા તંત્રના અણઘડ આયોજન સામે આક્ષેપ
વિપક્ષી કાઉન્સિલરોએ વડોદરા મહાનગરપાલિકા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, પાલિકાના અણઘડ આયોજનને કારણે જ જનતા તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. જ્યારે પણ રજૂઆત થાય ત્યારે માત્ર ટેમ્પરરી ટેન્કર મોકલી દેવાય છે, પરંતુ કોઈ કાયમી નિકાલ કરાતો નથી. હાલ પૂરતી ટેન્કર દ્વારા તરસ છિપાવવામાં આવી છે, પરંતુ ચંદ્રપ્રભા નગરના રહીશો હવે વહીવટી તંત્ર પાસે માત્ર આશ્વાસન નહીં, પણ કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.
