Vadodara: વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ. દિવાળીની પહેલા જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓ તેમજ પેન્શનરોને પગાર ચૂકવવાનો નિર્ણય લીધો છે. 25 ઓક્ટોબર સુધીમાં તમામ કર્મચારીઓ તેમજ પેન્શનરોને પગાર ચૂકવી દેવામાં આવશે.
કોર્પોરેશનના આ નિર્ણયથી મનપાના અંદાજિત 8000 જેટલા કર્મચારીઓને લાભ મળશે. જ્યારે 15 થી 16000 પેન્શનર્સને પણ આનો લાભ મળશે. રાજ્ય સરકારના નિર્ણય અગાઉ જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા દિવાળી પહેલા વેતન ચૂકવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે પાલિકા દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો
પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને કર્મચારીઓ / પેન્શનરોને માહે ઓકટોબર- 2024 નો પગાર તથા પેન્શન વહેલાં ચુકવણી કરવા વડોદરા મહાનગરપાલિકાના તમામ ખાતાઓને આદેશ આપી દેવામાં આવ્યા છે. જેમાં બેન્ક દ્વારા પગાર મેળવતાં તમામ કર્મચારીઓના પગાર પત્રકો માટે આઈ.ટી શાખામાં ડેટા એન્ટ્રી માટેના પેરોલના ડેટા ફોર્મસ તા. 10.10.2024 સુધીમાં મોકલી આપવાના રહેશે. પગાર પત્રકો આઈ.ટી. શાખાએથી તા.16.10.2024 ના રોજ મેળવી, ઓડીટ શાખામાં તા.18.10.2024 સુધીમાં રજુ કરવાના રહેશે. જે બાદ સદર પત્રકો ઓડિટ કરાવી તા.22.10.2024 સુધી હિસાબી શાખાએ ચુકવણા અર્થે મોકલી આપવાના રહેશે.
રોજીંદારી-ખંડ સમયના કર્મચારીઓની અને 11 માસના કરાર આધારીત કર્મચારીઓની તા.21 સપ્ટેમ્બર થી 20 ઓકટોબરની હાજરીની માહિતી તા.21.10.2024 ના રોજ બપોરે 12 કલાક સુધીમાં આઈ.ટી. શાખાને બિનચૂક મોકલી આપવાની રહેશે. જેના તૈયાર થયેલા પત્રકો તા.23.10.2024 ના રોજ બપોરે 12 કલાક બાદ મેળવી ઓડીટ કરાવી હિસાબી શાખાએ ચુકવણા અર્થે તા.25.10.2024 સુધી રજુ કરવાના રહેશે.
પેન્શનના માહે ઓકટોબર-2024 ના પત્રક તા.14.10.2024 ના રોજ આઈ.ટી. શાખાએથી મેળવી ઓડીટ કરાવી તા.23.10.2024 સુધી ચુકવણા અર્થે હિસાબી શાખાએ રજુ કરવાના રહેશે. સમય મર્યાદા બાદ રજુ કરવામાં આવેલ પગાર પત્રકોનું ચુકવણું દિવાળી પહેલાં થઈ શકશે નહિ.
