Junagadh: અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલી નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવાની માગ, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

સોયાબીન કઠોળ સહિતના પાકોમાં પણ સતત વરસાદથી ખૂબ મોટી નુકસાની છે, તેમ જ કપાસમાં પાછોતરા અતિ વરસાદથી જીંડવા ખરી ગયેલ છે તેમાં પણ ખૂબ મોટી નુકસાની છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 17 Oct 2024 07:20 PM (IST)Updated: Thu, 17 Oct 2024 07:20 PM (IST)
junagadh-news-harshad-ribadiya-letter-to-cm-bhupendra-patel-over-krushi-sahay-package
HIGHLIGHTS
  • આ ચોમાસામાં વિસાવદર પંથકમાં 100 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
  • સતત વરસાદથી ઉભી મગફળીમાં સડો બેસી ગયો

Junagadh: ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ બઘડાટી બોલાવતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અત્યારે પણ અરબી સમુદ્રમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતો પાક નુક્સાનની ભીતિ સેવી રહ્યા છે. એવામાં ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને પાક નુક્સાનીનું વળતર ચૂકવવાની માંગ કરી છે.

પોતાના પત્રમાં હર્ષદ રીબડીયાએ મુખ્યમંત્રીને લખ્યું છે કે, વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્યમાં પાછોતરા અતિભારે વરસાદને કારણે ખેડૂતોના તૈયાર માલપાકને ખૂબ મોટું નુકસાન થયું છે. ખાસ કરીને વિસાવદર પંથકમાં સો ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભેસાણ તથા જૂનાગઢ ગ્રામ્ય સહિત આ ત્રણેય તાલુકામાં પાછોતરા ભારે વરસાદથી તૈયાર મગફળીના પાથરા તણાયા તેમજ સડી ગયા છે.

આ ઉપરાંત ઉભી મગફળીમાં પણ સતત વરસાદથી સડો બેસી ગયો છે. જ્યારે સોયાબીન કઠોળ સહિતના પાકોમાં પણ સતત વરસાદથી ખૂબ મોટી નુકસાની છે, તેમ જ કપાસમાં પાછોતરા અતિ વરસાદથી જીંડવા ખરી ગયેલ છે તેમાં પણ ખૂબ મોટી નુકસાની છે. આથી જગતના તાત ગરીબ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, તો અમારા પંથકના ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે.

naidunia_image