Vadodara: તાંદલજામાં અકસ્માદ બાદ કિસ્મત ચોકડી પરથી દબાણો દૂર કરાયા, વેપારીઓ અને મનપા અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું

રોડ લાઈનની હદમાં નડતરરૂપ બનતી અંદાજે સાતથી આઠ જેટલી હંગામી દુકાનોના શેડ, પક્કા ઓટલા અને બહાર કાઢવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 12 Aug 2026 07:53 PM (IST)Updated: Wed, 12 Aug 2026 07:53 PM (IST)
vadodara-news-vmc-tandalja-encroachment-drive-after-fatal-accident

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા કિસ્મત ચોકડી ખાતે તાજેતરમાં એક અકસ્માતમાં રોડ રોલર નીચે આવી જતા એક્ટિવા સવાર યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજવાની ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર આખરે હરકતમાં આવ્યું છે.

આ ગંભીર અકસ્માતને પગલે મુખ્ય માર્ગ પર નડતરરૂપ બનતા ગેરકાયદે દબાણો સામે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે આ વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ હતી.


તાંદલજાની કિસ્મત ચોકડી નજીક અનેક દુકાનદારો અને વેપારીઓ દ્વારા નિયમ વિરુદ્ધ જઈને મુખ્ય માર્ગ સુધી પોતાના શેડ, ઓટલા, કેબીનો અને કાઉન્ટરો વધારી દેવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર દબાણોના કારણે અગાઉથી જ વ્યસ્ત રહેતો મુખ્ય માર્ગ અત્યંત સાંકડો બની ગયો હતો.

આ ઉપરાંત આ દુકાનો પર ખરીદી કરવા આવતા ગ્રાહકો દ્વારા પોતાના વાહનો પણ સીધા મુખ્ય માર્ગ પર જ બેફામ રીતે પાર્ક કરવામાં આવતા હતા, જેના કારણે રોજબરોજ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી અને રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

આ ગંભીર ટ્રાફિક સમસ્યા અને તાજેતરના અકસ્માતને ધ્યાનમાં રાખીને, કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કિસ્મત ચોકડી પર દોડી આવી હતી. તંત્ર દ્વારા એકસાથે પાંચ જેસીબી મશીનો કામે લગાડીને વહેલી સવારથી જ દબાણ હટાવવાની સઘન કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રોડ લાઈનની હદમાં નડતરરૂપ બનતી અંદાજે સાતથી આઠ જેટલી હંગામી દુકાનોના શેડ, પક્કા ઓટલા અને બહાર કાઢવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.

આ ડ્રાઇવ દરમિયાન દુકાનોની આગળ ગેરકાયદે મૂકવામાં આવેલી કેબીનો, લારીઓ અને કાઉન્ટરો સહિતનો મોટા પ્રમાણમાં સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. કોર્પોરેશને સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે પાંચ ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો અને તેને પોતાની સાથે લઈ ગયા હતા. આ અચાનક હાથ ધરેલી કાર્યવાહીના કારણે સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.

કામગીરી દરમિયાન કેટલાક આક્રોશિત વેપારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ પણ થયું હતું. વેપારીઓનો દાવો હતો કે તંત્ર દ્વારા ખાનગી પ્લોટમાં કરવામાં આવેલા બાંધકામો અને દબાણો પણ ગેરકાયદે રીતે તોડી પાડવામાં આવી રહ્યા છે.

જો કે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ વેપારીઓના આક્ષેપોને ફગાવીને સ્પષ્ટતા કરી હતી કે, માત્ર અને માત્ર રોડલાઈનની હદમાં આવતા અને ટ્રાફિક માટે નડતરરૂપ ગેરકાયદે દબાણો સામે જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કોપોરેશનની આ દબાણ હટાવ ઝુંબેશને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યો હતો. આ ઉપરાંત વીજ કંપની, લાઈટ વિભાગ, દબાણ શાખા તેમજ વિવિધ વોર્ડની ટીમો અને અન્ય સંબંધિત સ્ટાફ પણ આ સંયુક્ત કામગીરીમાં સક્રિયપણે જોડાયા હતા. તંત્રની આ કડક કાર્યવાહીથી તાંદળજા વિસ્તારના ગેરકાયદે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.