વડોદરા ગેસ લિમિટેડની લાલ આંખઃ રૂ. 26.43 લાખના બાકી બિલ સામે 22 કનેક્શન કપાયા, રૂ.3.46 લાખની સ્થળ પર વસૂલાત

વડોદરા ગેસ લિમિટેડ દ્વારા બાકી બિલની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં ₹26.43 લાખના બાકી બિલ સામે 22 કનેક્શન કપાયા અને ₹3.46 લાખની સ્થળ પર વસૂલાત થઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 12 Aug 2026 07:43 PM (IST)Updated: Wed, 12 Aug 2026 07:43 PM (IST)
vadodara-gas-limited-cut-22-connections-over-rs-2643-lakh-unpaid-bills

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા શહેરમાં ગેસના બાકી બિલની વસૂલાત માટે આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત બીજા દિવસે પણ સઘન રિકવરી અને ચેકિંગની કામગીરી જારી રાખવામાં આવી છે. લાંબા સમયથી બિલ ન ભરનાર ગ્રાહકો સામે કંપનીએ લાલ આંખ કરી છે, જેના પરિણામે હજારો રૂપિયાની વસૂલાત સાથે કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસ બંદોબસ્ત સાથે સઘન ચેકિંગ

VGL દ્વારા બાકીદારો પાસેથી વસૂલાત કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત અજબડી મિલ રોડ, યાકુતપુરા, તાજ સોડા ફેક્ટરી, પટેલ ફળિયા, સોદાગર બિલ્ડિંગ, ચાપાનેર દરવાજા, કોયલી ફળિયા, જુનીગઢી, છીપવાડ, મહેતા પોળ, મુસા પોળ અને જગમલી પોળ સહિતના વિવિધ વિસ્તારોમાં ટીમો મોકલવામાં આવી હતી.

આ સઘન ડ્રાઈવ માટે ગેસ કંપનીના અંદાજે 59 કર્મચારીઓની બે અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે, જેને સુરક્ષા પૂરી પાડવા માટે સિટી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓ પણ બંદોબસ્તમાં જોડાયા હતા.

22 ગ્રાહકોના ગેસ કનેક્શન કપાયા

ગેસ કંપનીની ટીમે અગાઉ વારંવાર ટેલિફોનિક જાણ કરવા છતાં બિલ ન ભરનાર ગ્રાહકોના ઘર અને વ્યાપારિક સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી હતી. એક જ દિવસની આ કાર્યવાહી દરમિયાન કુલ 56 યુનિટો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી રૂ. 26,43,018 જેટલી માતબર રકમના બાકી બિલો ધરાવતા કુલ 22 ગ્રાહકોના ગેસ કનેક્શન તાત્કાલિક ધોરણે કાપી નાખવામાં આવ્યા હતા.

જોકે આ દરમિયાન કેટલાક જાગૃત ગ્રાહકોએ સ્થળ પર જ પોતાના બાકી નાણાં ચૂકવી દીધા હતા, જ્યારે અગાઉ બંધ કરાયેલા બે કનેક્શનના બાકી નાણાં ભરાઈ જતાં તેમને પુનઃ ચાલુ કરવામાં આવ્યા હતા.

રૂ. 3.46 લાખની સ્થળ પર વસૂલાત

કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીનું સકારાત્મક પરિણામ પણ જોવા મળ્યું છે. ફિલ્ડ વિઝિટ દરમિયાન બાકીદારો દ્વારા સ્થળ પર જ બિલની ભરપાઈ કરવામાં આવતા એક જ દિવસમાં કુલ રૂ. 3,46,730ની રોકડ રકમની વસૂલાત કરવામાં સફળતા મળી છે. વડોદરા ગેસ લિમિટેડના આ પગલાથી સમયસર બિલ ન ભરતા ગ્રાહકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

વીજીએલ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આ પ્રકારની રિકવરી ઝુંબેશ ચાલુ જ રહેશે, જેથી સમયસર બિલની ચુકવણી ન કરનાર ગ્રાહકો કાયદેસરની કાર્યવાહીથી બચી શકે અને કંપનીની નાણાકીય શિસ્ત જળવાઈ રહે.