Rajkot: ભાડલામાં નશામાં ધૂત પિતા દ્વારા પુત્રીની હત્યાનો પ્રયાસ, ચા બનાવવા બાબતે બોલાચાલી બાદ ચુંદડી વડે ગળું દબાવી દીધું

રાજકોટના ભાડલામાં એક કળિયુગી પિતાએ ચા બનાવવાના ઝઘડામાં પોતાની 13 વર્ષની પુત્રીને ચુંદડી વડે ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો. ગંભીર હાલતમાં પુત્રી હોસ્પિટલમાં દાખલ છે અને માતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 12 Aug 2026 06:26 PM (IST)Updated: Wed, 12 Aug 2026 06:26 PM (IST)
rajkot-crime-news-intoxicated-father-attempts-to-murder-daughter-over-tea-argument-in-bhadla
Ambulance_108_4-Sept.jpg

નરેન્દ્ર આહિર, Rajkot News: જસદણ તાલુકાના ભાડલા ગામે પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લજવતી અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જાય તેવી અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. કળિયુગી પિતાએ પોતાની જ 13 વર્ષની સગીર વયની માસૂમ પુત્રી પર જીવલેણ હુમલો કરી, ઘરની અંદર જ ચુંદડી વડે ગળાટૂંપો આપી જાનથી મારી નાખવાનો સનસનાટીભર્યો પ્રયાસ કર્યો હતો.

આ અંગે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલી દીકરીની માતાએ ભાડલા પોલીસ સ્ટેશનમાં પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાડલા ગામે રહેતી 32 વર્ષીય સુમિત્રાબેન સોલંકી તેના પતિ વિપુલભાઈ ગગજીભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે સગર્ભા હોય, પોતાની 7 વર્ષની નાની પુત્રી સાથે સારવાર અર્થે આટકોટની કે.ડી.પી. હોસ્પિટલે ગયા હતા. તે સમયે તેમના પતિ વિપુલભાઈ સોલંકી મજૂરી કામે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, જ્યારે 13 વર્ષની તેમની મોટી પુત્રી અને 9 વર્ષની વચલી પુત્રી ઘરે હતી.

મોટી બહેન ઘરમાં ગળે ચુંદડી બાંધેલી હાલતમાં બેભાન પડી છે

બે કલાક હોસ્પિટલ રોકાયા બાદ જ્યારે સુમિત્રાબેન હોસ્પિટલેથી પરત ફરી રહ્યા હતા, ત્યારે પાડોશમાં રહેતા ભારતીબેન દરબારના ફોન પરથી તેમની પુત્રીએ ફોન કરીને જાણ કરી હતી કે, "મોટી બહેન ઘરમાં ગળે ચુંદડી બાંધેલી હાલતમાં બેભાન પડી છે." આ અણધાર્યા સમાચાર સાંભળતા જ સગર્ભા માતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. બનાવ અંગે તુરંત પરિજનોને જાણ કરવામાં આવતા, મોટો ભાઈ હિતેશભાઈ અને સગા-સંબંધીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પુત્રીને આ બાબતે પૂછ્યું ત્યારે તેણીએ સમગ્ર ઘટનાની વિગતો આવી હતી. તેના જણાવ્યા મુજબ, બનાવ સમયે 13 વર્ષની પુત્રી ઘરે એકલી હતી ત્યારે તેનો પિતા વિપુલભાઈ સોલંકી ઘરે પહોંચ્યો હતો અને પોતાની જ દીકરીને ગંદી ગાળો આપવા લાગ્યો હતો. ભયભીત થયેલી દીકરી ભાગવાનો પ્રયાસ કરવા જતાં પિતાએ તેને પકડી પાડી હતી અને તેના મોઢાના ભાગે કપડાનો ડૂચો દબાવી દીધો હતો. જે બાદ તેને ઘરની અંદર ઢસડી જઈ, ઘરમાં પડેલી ચુંદડી વડે તેના હાથ અને પગ બાંધી દીધા હતા તથા અડધી ચુંદડી વડે ગળે ટૂંપો આપી જાનથી મારી નાખવાનો ક્રૂર પ્રયાસ કર્યો હતો.

13 વર્ષની માસૂમ પુત્રી બેભાન થઈ જતાં આરોપી પિતા સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી 13 વર્ષની પુત્રીને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ત્રણ દિવસ સુધી તે આઈસીયુમાં બેભાન હાલતમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતી રહી હતી.

રવિવારે તે ભાનમાં આવ્યા બાદ, પોલીસે તેની હાજરીમાં મરણોન્મુખ નિવેદન લીધું હતું. જેમાં માસૂમ દીકરીએ પોતાના જ પિતાની આ રાક્ષસી કરતૂતનો પર્દાફાશ કર્યો હતો.

ઘરકંકાસ અને દારૂની લત પુત્રીની હત્યાના પ્રયાસનું કારણ બન્યું


માતા સુમિત્રાબેનના જણાવ્યા અનુસાર, તેનો પતિ વિપુલ અવારનવાર દારૂ પીને ઘરે આવી માથાકૂટ કરતો હતો. બનાવના દિવસે સવારે પણ ચા બનાવવાની બાબતે બાપ-દીકરી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખીને પિતાએ આ કુત્ય આચર્યું હોવાનું બહાર આવ્યું છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અને સગર્ભા માતા સુમિત્રાબેનની તબિયત સુધરતા, તેમણે પરિજનો સાથે ભાડલા પોલીસ સ્ટેશને પહોંચીને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ભાડલા પોલીસ સ્ટેશનના પી.આઈ એ.સી. ડામોરે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

ધોરાજીમાં દંપતીનો સજોડે આપઘાતઃ મોડી રાતે ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી

ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા જીતુભાઈ રાવરાણી અને તેમના પત્ની મધુભાઈ જીતુભાઈ રાવરાણીએ પોતાના ઘરે મોડી રાત્રે કોઈ પારિવારિક કારણોસર એકસાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા જોઈને ધોરાજી પોલીસનો કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો.


પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પ્રાથમિક પંચનામું કર્યા બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જીતુભાઈ અને મધુભાઈ જેવા ઉંમરલાયક દંપતીએ અચાનક આવું આકરું અને અંતિમ પગલું શા માટે ભર્યું, તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ધોરાજી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને પરિવારજનો તથા સગા-સંબંધીઓની પૂછપરછ હાથ ધરી છે.