રાજકોટમાં વ્યાજખોરોએ હેવાનિયતની હદ વટાવી, પતિને આપેલા નાણાંનું વ્યાજ વસૂલવા પત્ની ઉપર બે વખત દુષ્કર્મ ગુજાર્યું

વિધર્મી વ્યાજખોરે રૂપિયા આપ્યા બાદ મહિલા પર દાનત બગાડી અને કહ્યું કે, હું તારા પતિને રૂપિયા આપીશ, પરંતુ એના બદલામાં તારે મારી સાથે પત્ની જેવા સબંધ રાખવા પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 12 Aug 2026 06:07 PM (IST)Updated: Wed, 12 Aug 2026 06:07 PM (IST)
rajkot-crime-news-loan-shark-rape-woman-to-recover-interest-on-husbands-loan
HIGHLIGHTS
  • મકાનના રિનોવેશન માટે વિધર્મી શખ્સ પાસેથી 14 ટકા વ્યાજે રૂ. 3 લાખ લીધા હતા

નરેન્દ્ર આહીર, Rajkot Crime News: શહેરમાં વ્યાજખોરી અને શારીરિક શોષણનો એક અત્યંત શરમજનક કિસ્સો બન્યો છે, વ્યાજખોરે માનવતાને નેવે મૂક્યાનો એક કિસ્સો પોલીસ મથકમાં નોંધાયો છે.

પતિએ વ્યાજે લીધેલા રૂ.3 લાખના બદલામાં તેની પત્નીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાઇ છે. મહિલાની ફરિયાદના આધારે થોરાળા પોલીસે દૂધસાગર રોડ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક વિધર્મી શખ્સ સામે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રિક્ષા ચાલક હુસેન ગોપલાણીનું નામ આપ્યું છે. પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભોગ બનનાર મહિલાના પતિને બે વર્ષથી હુસૈન સાથે ઓળખાણ હતી. તે રિક્ષાચાલક હોય અને અવારનવાર પીડિતાના ઘરે પણ આવ-જા કરતો હતો. એટલું જ નહીં, રિક્ષાચાલક હોવાના નાતે તે ભોગ બનનાર મહિલાને જરૂરી કામકાજ માટે તેડવા અને મુકવા પણ જતો હતો.

લાંબા સમયના આ વ્યવહારિક સંબંધોના કારણે પીડિત પરિવારે તેના પર વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ આ ઓળખાણ જ તેમની જિંદગી માટે મોટો અભિશાપ સાબિત થશે તેની તેમને કલ્પના પણ નહોતી.

તારે મારી સાથે પત્ની જેવા સબંધ રાખવા પડશેઃ વ્યાજખોર

થોડા સમય પૂર્વે ભોગ બનનાર મહિલાના પતિને પોતાના મકાનનું રિપેરિંગ કામ કરાવવું હોવાથી નાણાંની તીવ્ર જરૂરિયાત ઊભી થઈ હતી. આ આર્થિક ખેંચતાણ વચ્ચે તેમણે આરોપી હુસેન પાસે મદદ માગી હતી. હુસૈને દર મહિને 14 ટકા જેવા માતબર અને ગેરકાયદેસર વ્યાજે રૂ. 3 લાખ આપવાની ખાતરી આપી હતી.

જોકે નાણાં આપતા પહેલાં જ વ્યાજખોર હુસૈનની દાનત બગડી હતી. તેણે અમાનવીય અને વિકૃત શરત મૂકતા ભોગ બનનાર મહિલાને સ્પષ્ટ કહી દીધું હતું કે, "હું તારા પતિને રૂપિયા તો આપીશ, પરંતુ એના બદલામાં તારે મારી સાથે પત્ની જેવા સંબંધ રાખવા પડશે. આર્થિક લાચારી અને ગંભીર મજબૂરીના કારણે મહિલા એ સમયે આ કડવો ઘૂંટડો પીવા મજબૂર બની હતી. આ ઘટના બાદ આજથી પાંચેક મહિના પહેલાં આરોપી હુસેને રૂ. 3 લાખ વ્યાજે આપ્યા હતા.

નાણાં ધીર્યા બાદ પીડિત પરિવારે પોતપ્રકાશિત વ્યાજ તેમજ હપ્તા નિયમિત ચૂકવી આપ્યા હતા. આટલું વ્યાજ ચૂકવવા છતાં, આરોપીએ મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવવાનું ચાલુ રાખ્યું હતું.

આરોપી અવારનવાર મહિલાના ઘરે પહોંચી જતો હતો અને તેણીની મરજી વિરુદ્ધ બે વાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે મહિલાએ આ અમાનવીય કૃત્યનો વિરોધ કર્યો અને પ્રતિકાર દર્શાવ્યો, ત્યારે નરાધમ હુસેને અત્યંત ગંભીર ધમકી આપતા કહ્યું હતું કે, જો આ વાત કોઈને કહીશ કે વિરોધ કરીશ, તો તારા આખા પરિવારને જાનથી મારી નાખીશ." આ ધમકીના કારણે ભોગ બનનાર મહિલા ભારે માનસિક તણાવ અને ભયના ઓટલા નીચે જીવી રહી હતી.

અંતે નરાધમના ત્રાસથી કંટાળીને અને પોતાના પરિવારની સલામતીને ધ્યાને રાખીને ભોગ બનનાર મહિલાએ હિંચકારા કૃત્ય સામે અવાજ ઉઠાવવાનો નિર્ણય લીધો હતો. તેણીએ પોતાની પુત્રી અને બાકીના પરિવારજનોને આ સમગ્ર આપવીતી અને વ્યાજખોરની ક્રૂરતા વિશે જાણ કરી હતી. પરિવારે હિંમત આપતા, મહિલાએ તુરંત જ થોરાળા પોલીસ મથકે પહોંચી આરોપી હુસેન વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.


થોરાળા પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી સામે દુષ્કર્મની કલમો તેમજ ’મની લેન્ડર્સ એક્ટ’ હેઠળ ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી હુસેનને સકંજામાં લઈ કાયદેસરની અટકાયત કરી લીધી છે. આ ચકચારી ઘટનાએ રાજકોટ શહેરમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી જન્માવી છે.

પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક ઝુંબેશ અને લોકદરબાર યોજવામાં આવતા હોવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ ઘટના એ વાતનો ખુલ્લો પુરાવો છે કે અસામાજિક અને ગેરકાયદેસર નાણાં ધીરધાર કરતા વ્યાજખોરોની હિંમત કેટલી વધી ગઈ છે.