Vadodara: વડોદરામાં 'ખાડોદરા'નું લાંછન દૂર કરવા ક્વાયત શરૂ, મુખ્યમંત્રીના આદેશ બાદ રૂ. 300 કરોડના ખર્ચે 26 નવા RCC રોડ બનશે

મુખ્યમંત્રીના આદેશ બાદ વડોદરામાં 'ખાડોદરા'નું લાંછન દૂર કરવા રૂ. 300 કરોડના ખર્ચે 26 મુખ્ય માર્ગોને RCC રોડમાં પરિવર્તિત કરાશે. આ પ્રોજેક્ટથી આગામી 15 વર્ષ સુધી રસ્તાઓ ખાડામુક્ત રહેશે અને જાળવણી ખર્ચ ઘટશે, જેનાથી વાહનચાલકોને મોટી રાહત મળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 12 Aug 2026 05:54 PM (IST)Updated: Wed, 12 Aug 2026 05:54 PM (IST)
vadodara-news-rs-300-cr-approved-to-upgrade-city-roads-and-remove-pothole-stigma

પ્રશાંત ગજ્જર, Vadodara News: ચોમાસા દરમિયાન રાજ્યના શહેરોમાં રોડ-રસ્તાઓની બિસ્માર હાલત અને ઠેર-ઠેર પડતા ખાડાઓની સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી દ્વારા શહેરો અને નગરોમાં જ્યાં શક્ય હોય ત્યાં ડામરના બદલે આરસીસી (સિમેન્ટ કોંક્રિટ) ના રોડ બનાવવાની કડક સૂચના આપવામાં આવી છે.

આ સૂચનાના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પણ 'ખાડોદરા' તરીકે બદનામ થઈ ચૂકેલા વડોદરા શહેરના રસ્તાઓની કાયાપલટ કરવા માટે મોટું આયોજન હાથ ધર્યું છે. વડોદરામાં હવે ડામરને અલવિદા કહીને મજબૂત અને દીર્ઘાયુ આરસીસી રોડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વરસાદની મોસમમાં વડોદરાના રસ્તાઓની હાલત હંમેશા ખસ્તા થઈ જતી હોય છે. ડામરના રસ્તાઓ ધોવાઈ જવાને કારણે વાહનચાલકોને મોટા-મોટા ખાડાઓમાંથી પસાર થવાની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે શહેરોમાં આરસીસી રોડ બનાવવાની નીતિ અપનાવી છે. મુખ્યમંત્રીની સૂચનાનું પાલન કરીને વડોદરા મહાનગરપાલિકાએ શહેરના મુખ્ય માર્ગોનો સર્વે પૂર્ણ કર્યો છે.

પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે અંદાજે 25 કિલોમીટરની લંબાઈ ધરાવતા શહેરના 26 જેટલા મુખ્ય માર્ગોને ડામરના બદલે આરસીસી રોડમાં પરિવર્તિત કરવામાં આવશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ આશરે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

RCC રોડના આ નિર્માણ કાર્યમાં પાલિકા દ્વારા વિશેષ તકેદારી પણ રાખવામાં આવી રહી છે. પ્રોજેક્ટ વિભાગ દ્વારા એ ચકાસણી કરવામાં આવશે કે જે સ્થળે આરસીસી રોડ બનાવવાનો છે, ત્યાં જમીન નીચે પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન કે અન્ય યુટિલિટી લાઇન આવેલી છે કે નહીં. જો રોડની નીચે આવી યુટિલિટી લાઇન ન હોય તો કેરેજ વેની બહાર જરૂરી સુવિધાઓ ઊભી કરીને આરસીસી રોડ બનાવવામાં આવશે. જોકે, જ્યાં અગાઉથી જ પાણી, ડ્રેનેજ કે અન્ય લાઈનો મોજૂદ હશે, ત્યાં ભવિષ્યમાં ખાડા ખોદવાની સમસ્યા ન સર્જાય તે માટે પાલિકા દ્વારા આરસીસીના બદલે ડામરનો જ રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

વડોદરા મહાનગરપાલિકાનું મુખ્ય આયોજન એ છે કે આ નવા આરસીસી રોડ બન્યા બાદ આગામી ઓછામાં ઓછા 15 વર્ષ સુધી રસ્તાઓ પર ખાડા ન પડે અને તેની જાળવણી પાછળ થતો ખર્ચ ઘટે. હાલમાં વડોદરા શહેરમાં કુલ 1837 કિલોમીટરનું વિશાળ રોડ નેટવર્ક આવેલું છે, જેમાંથી માત્ર 168 કિલોમીટરના રસ્તાઓ જ હાલ ડિફેક્ટ લાયાબિલિટી પિરિયડ હેઠળ છે.

શહેરના આ પસંદગીના 26 મુખ્ય માર્ગો આરસીસીમાં પરિવર્તિત થયા બાદ વડોદરાવાસીઓને આગામી દિવસોમાં ખાડામુક્ત, મજબૂત અને અત્યંત આરામદાયક વાહનવ્યવહારની સુવિધા મળી રહેશે તેવી પ્રબળ આશા બંધાઈ છે. સરકાર અને સ્થાનિક પાલિકાના આ સંયુક્ત પ્રયાસોથી વડોદરાવાસીઓ માટે ચોમાસાની મુશ્કેલીઓનો કાયમી અંત આવશે તેવી આશા છે.