Vadodara: વડોદરા કોર્પોરેશનમાં વહીવટી કટોકટી, પાંચ ઉચ્ચ અધિકારીઓની સ્વૈચ્છિક નિવૃતિ માટે અરજી; કર્મચારીઓની અછતથી તંત્રમાં ફફડાટ

વડોદરા મહાનગરપાલિકા 2026માં વહીવટી કટોકટીનો સામનો કરી રહી છે, જેમાં પાંચ ઉચ્ચ અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી છે. આ ઉપરાંત, નવા ભરતી થયેલા 250થી વધુ કરાર આધારિત કર્મચારીઓએ નોકરી છોડી દેતા પાલિકાનું કામકાજ પ્રભાવિત થયું છે અને કાયમી ભરતીની માંગ ઉઠી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 02 Jul 2026 07:34 PM (IST)Updated: Thu, 02 Jul 2026 07:34 PM (IST)
vadodara-news-vmc-faces-admin-crisis-officers-seek-vrs

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા મહાનગરપાલિકા (VMC) માટે વર્ષ 2026 વહીવટી દ્રષ્ટિએ અત્યંત પડકારજનક સાબિત થઈ રહ્યું છે. પાલિકામાં એક તરફ અધિકારીઓની સામૂહિક નિવૃત્તિનો દોર શરૂ થયો છે, તો બીજી તરફ નવીન નિમણૂક પામેલા કર્મચારીઓ ટકી ન શકતા વહીવટી માળખું ડામાડોળ થઈ ગયું છે. કચેરીઓમાં ચાલી રહેલા રાજીનામાના આ સિલસિલાએ પાલિકાના સંકુલમાં ભારે ચર્ચા જગાવી છે.

પાલિકાના પાંચ મહત્વના અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) માટે સત્તાવાર અરજીઓ કરી છે. જેમાં સામાન્ય વહીવટ વિભાગના ખાતાકીય વડા દેવાંગ ભટ્ટનો સમાવેશ થાય છે, જેઓ હાલમાં તાલીમ અને ખાતાકીય તપાસ જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે.

આ ઉપરાંત રેવન્યુ ઓફિસર મનોજ ક્રિશ્ચિયન, વોર્ડ નંબર 17ના ઓફિસર મહેશ પટેલ, વોર્ડ નંબર 18ના રેવન્યુ ઓફિસર પ્રકાશ પરમાર અને વોર્ડ નંબર 16ના વોર્ડ તેમજ રેવન્યુ ઓફિસર પરાગ મોદીએ પણ સેવામુક્ત થવાની ઈચ્છા દર્શાવી છે. જો આ અરજીઓ મંજૂર થશે તો આ તમામ વિભાગો સંપૂર્ણપણે 'ઈન-ચાર્જ' અધિકારીઓના ભરોસે ચાલશે, જે શહેરના વિકાસ કાર્યોને મંદ પાડી શકે છે.

વહીવટી તંત્રની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, થોડા સમય પહેલાં જ 552 જેટલા ક્લાર્કોની કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી, જેમાંથી 250થી વધુ કર્મચારીઓએ ટૂંકા ગાળામાં જ નોકરી છોડી દીધી છે. એકબાજુ અનુભવી અધિકારીઓની ઘટ અને બીજીબાજુ નવા કર્મચારીઓની અછતને લીધે પાલિકાનું રોજિંદું કામકાજ પ્રભાવિત થઈ રહ્યું છે.

અંતરંગ વર્તુળોમાં એવી ચર્ચા છે કે કામનો અસહ્ય બોજ અને ઉચ્ચ સ્તરેથી મળતી કનડગતના કારણે આ અધિકારીઓ નિવૃત્તિ તરફ વળ્યા છે. નાગરિકો અને વિવિધ સંગઠનો દ્વારા માંગ ઉઠી છે કે, શહેરના હિતમાં મ્યુનિસિપલ કમિશનરે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ યુદ્ધના ધોરણે કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ, જેથી વહીવટી વ્યવસ્થા ખોરવાય નહીં અને નાગરિકોની સુવિધામાં કોઈ અવરોધ ન આવે. આ કટોકટી નિવારવા માટે તંત્રએ હવે તાત્કાલિક નક્કર આયોજન કરવું અનિવાર્ય બન્યું છે.