Vadodara: મકરપુરા હવેલી રોડ 'મરણપથારીએ', બે વર્ષથી તંત્રની ઘોર બેદરકારી સામે રહીશોમાં ભારે રોષ

વડોદરાના મકરપુરા હવેલી રોડની અત્યંત ખરાબ હાલતથી વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં છે, જ્યાં ખાડા અને કીચડને કારણે અકસ્માતો વધી રહ્યા છે. સ્થાનિકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બે વર્ષની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 02 Jul 2026 07:25 PM (IST)Updated: Thu, 02 Jul 2026 07:41 PM (IST)
vadodara-news-makarpura-haveli-road-potholes-and-vmc-negligence

પ્રશાંત ગજ્જર, Vadodara: વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ હવેલી રોડની વર્તમાન પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓ અને ઠેર-ઠેર જમા થયેલા કીચડના કારણે આ માર્ગ વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી બની ગયો છે. છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ રોડને કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ચોમાસાના આગમન સાથે જ મકરપુરા હવેલી રોડ પરની સ્થિતિ વધુ વણસી છે. ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી વાહનચાલકોને ખાડાનું ઊંડાણ માપી શકાતું નથી, જેના કારણે વાહનો ખાડામાં પટકાવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. ખાસ કરીને સ્કૂટર અને કાર ચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ છે. તાજેતરમાં જ એક મહિલા સ્કૂટર ચાલક આ ખાડામાં સ્લિપ થઈને પડી ગયા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે અહીંની ખતરનાક સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

સ્થાનિક રહીશ કિશોરભાઈ સુથારે તંત્રની કામગીરી પર પ્રહાર કરતા જણાવ્યું કે, અમે છેલ્લા બે વર્ષથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરી છે. દરેક વખતે માત્ર આશ્વાસનો જ મળે છે, પરંતુ નક્કર કામગીરી કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. રસ્તા પરના ખાડા અને કીચડને કારણે નાના વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે ચાલવું પણ અશક્ય બન્યું છે.

અન્ય એક સ્થાનિક રહીશે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, રસ્તાની આ દુર્દશા માટે જવાબદાર કોણ? વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે આ ખાડાઓ 'મોતનો કૂવો' સાબિત થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોએ ઉગ્ર માંગ કરી છે કે, વહીવટી તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈને વહેલી તકે રોડનું યોગ્ય સમારકામ હાથ ધરે અને કાયમી ધોરણે રસ્તાની વ્યવસ્થા કરી આપે.

જો કોર્પોરેશન દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટવાની ભીતિ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર ક્યારે જાગે છે અને સ્થાનિકોને આ નરક જેવી સ્થિતિમાંથી ક્યારે મુક્તિ મળે છે.