Vadodara: અમદાવાદ-મુંબઇ નેશનલ હાઈવે નં. 48 પર વડોદરા નજીક પોરથી બામણગામ સુધી ફરી એક વખત ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો છે. આજે (1 ઓગસ્ટ) સવારે સર્જાયેલા આ જામમાં લગભગ 5 કિ.મી. સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જતાં વાહનવ્યવહાર સતત પ્રભાવિત થઈ રહ્યો છે. વરસાદ બાદ રસ્તા પર ઉભા થયેલા મોટા ખાડાઓ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે અને તેમનું મુસાફરીનું સમય પણ કલાકો સુધી વધી જાય છે.
સામાન્ય દિવસોમાં પણ વડોદરા થી સુરત તરફ જતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ ખાડાઓના કારણે છેલ્લા આઠ દિવસમાં પાંચમી વખત ટ્રાફિક જામ સર્જાયો છે. રોજ એક લાખથી વધુ વાહનો આ હાઈવે પરથી પસાર થાય છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત અને મુંબઇ તરફ જતા વાહનોનો સમાવેશ થાય છે. ટ્રાફિક જામને કારણે લોકો સમયસર નોકરી, બિઝનેસ તેમજ અન્ય જરૂરી કામકાજ માટે પહોંચી શકતા નથી, જેના કારણે અસંતોષ વધી રહ્યો છે.
હાલની પરિસ્થિતિને લઈને તંત્ર પર સવાલો ઊઠી રહ્યા છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ થોડા દિવસ પહેલાં જ આ મુદ્દે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી હતી. રજૂઆત બાદ ગડકરીએ સંબંધિત અધિકારીઓને ચેતવણી આપ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. ખાડાઓને કારણે વારંવાર થતા ટ્રાફિક જામના કારણે મુસાફરોમાં ભારે નારાજગી વ્યાપી છે.
પરિસ્થિતિથી કંટાળેલા લોકોએ તંત્રને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. ખાડાઓ પૂરવા અને માર્ગની મરામત માટે ઝડપી કામગીરી થાય તો જ હાઈવે પર વાહનવ્યવહાર સામાન્ય બની શકશે. મુસાફરોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી ન થાય તો આ હાઈવે પર અકસ્માતોની સંભાવના પણ વધી શકે છે. હાલ તંત્ર માટે સૌથી મોટો પડકાર છે ખાડાઓને પૂરવા અને વાહન વ્યવહારને સુગમ બનાવવાનો.
