Vadodara Tiranga Yatra: હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, નાયબ મુખ્યમંત્રી વડોદરાને ડ્રગ્સ મુક્ત બનાવવા આહ્વાન

વડોદરામાં આઝાદી પૂર્વે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરને ડ્રગ્સ મુક્ત કરવાનો સંકલ્પ લીધો. તેમણે નાગરિકોને રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસને જાણ કરવા અપીલ કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 14 Aug 2026 10:06 PM (IST)Updated: Fri, 14 Aug 2026 10:06 PM (IST)
vadodara-news-tiranga-yatra-harsh-sanghavi-vows-tough-action-against-drug-peddlers

પ્રશાંત ગજ્જર, Vadodara Tiranga Yatra: વડોદરા શહેરમાં આઝાદીના પર્વની પૂર્વ સંધ્યાએ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવલખી ગ્રાઉન્ડ ખાતેથી આન, બાન અને શાન સાથે પ્રસ્થાન પામેલી આ તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઈ હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં વડોદરાવાસીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વર્તમાન સમયની સામાજિક સમસ્યાઓ પર પ્રહાર કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશને ડ્રગ્સ મુક્ત બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા મક્કમ સંકલ્પ લેવામાં આવ્યો છે. આ દિશામાં કડક પગલાં ભરતા તેમણે વડોદરા શહેરને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત કરવાની જાહેરાત કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે ડ્રગ્સ વેચનાર અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરીને તેમનો ભુક્કો બોલાવી દેવો પડશે.

આ તિરંગા યાત્રામાં પોલીસ જવાનો, એનસીસી તેમજ વિવિધ સહાયક દળોની ટુકડીઓએ વિશેષ જોડાણ આપ્યું હતું. આ ઉપરાંત બાળકો, યુવાનો, વડીલો અને પૂર્વ સૈનિકો સહિત અંદાજે 50 હજાર જેટલા નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને આ યાત્રામાં જોડાયા હતા. જેના કારણે સમગ્ર વાતાવરણ 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

ગાંધીનગર ગૃહ ખાતે યાત્રાના સમાપન ટાણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું. પોતાના ઉદ્બોધનમાં તેમણે દેશની સરહદો પર ભારતભૂમિની રક્ષા માટે રાત-દિવસ એક કરી રહેલા વીર જવાનોને નમન કર્યા હતા અને વડોદરાવાસીઓને આ અદભુત તેમજ ભવ્ય તિરંગા યાત્રા સફળ બનાવવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન તેમણે નાગરિકોને આહ્વાન કર્યું હતું કે, આઝાદીની પૂર્વ સંધ્યાએ લીધેલા સંકલ્પોને માત્ર યાદ રાખવા પૂરતા સીમિત ન રાખતા, જો ક્યાંય ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવતા અપીલ કરી હતી કે, તિરંગા યાત્રા કે અન્ય સમયે ક્યારેય ધ્વજ નીચો ન થવો જોઈએ. રાષ્ટ્રધ્વજ હંમેશાં ઊંચે લહેરાતો રહેવો જોઈએ અને દરેક નાગરિકના ઘર પર તિરંગો અચૂક લાગવો જોઈએ. આ ભવ્ય આયોજનથી વડોદરા શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.