વડોદરામાં આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં વાહન ઊભા રાખનારા સામે દંડનીય કાર્યવાહી થશે, ટૉઈંગ કામગીરી વધુ તેજ બનાવાશે

વડોદરામાં વધતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. તેમાં આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ટોઇંગ અભિયાન વધુ તેજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Nov 2026 09:21 PM (IST)Updated: Fri, 20 Nov 2026 09:21 PM (IST)
vadodara-news-strict-action-against-illegal-parking-in-city-towing-drive-to-be-intensified

Vadodara: વડોદરા શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિકની સમસ્યાના કાયમી નિરાકરણ અને વાહનવ્યવહારને વધુ સુગમ તેમજ વ્યવસ્થિત બનાવવા માટે કોર્પોરેશન કચેરી ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, તમામ વોર્ડ ઓફિસરો, આસિસ્ટન્ટ કમિશનર, ટ્રાફિક પોલીસના અધિકારીઓ, આરટીઓ તેમજ MGVCL સહિતના સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધીને શહેરીજનોને ટ્રાફિકની હાલાકીમાંથી મુક્તિ અપાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારો, મુખ્ય ચાર રસ્તાઓ અને ભીડભાડવાળા બજારોમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. શહેરના જે-જે વિસ્તારોમાં નિયમિતપણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, ત્યાં સ્થળ તપાસ કરીને તાત્કાલિક અસરથી જરૂરી સુધારાત્મક પગલાં લેવા માટે ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક એન્જિનિયરને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. રોડ પરના અવરોધો દૂર કરવા અને ટ્રાફિકના પ્રવાહને સરળ બનાવવા માટે ટેકનિકલ ફેરફારો કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

ટ્રાફિક સમસ્યા પાછળ મુખ્યત્વે જવાબદાર એવા આડેધડ પાર્કિંગના દૂષણને ડામવા માટે બેઠકમાં કડક વલણ અપનાવવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય માર્ગો પર ગમે ત્યાં વાહનો પાર્ક ન થાય અને ખાસ કરીને 'નો-પાર્કિંગ ઝોન'માં વાહનો ઊભા ન રહે તે સુનિશ્ચિત કરવા પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા આદેશ અપાયો છે.

નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવાની સાથે સાથે શહેરમાં ટોઇંગની કામગીરી વધુ સઘન અને તેજ બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી.

આ ઉપરાંત વાહનચાલકોને પાર્કિંગ માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી શહેરમાં નક્કી કરાયેલા અધિકૃત પાર્કિંગ પ્લોટ પર દૂરથી જ સ્પષ્ટ દેખાય તેવા 'પાર્કિંગ'ના સાઇન બોર્ડ લગાવવાની સૂચના સંબંધિત વિભાગને આપવામાં આવી છે. જેથી લોકો રોડ પર વાહન મૂકવાને બદલે નિર્ધારિત પાર્કિંગ સ્થળોનો ઉપયોગ કરતા થાય.

બેઠકના અંતે શહેરીજનોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ આવે અને લોકો સ્વયંભૂ નિયમોનું પાલન કરીને તંત્રને સહકાર આપે તે માટે જરૂરી પગલાં ભરવા પર સહમતી સધાઈ હતી. તંત્રના આ સંયુક્ત પ્રયાસોથી આગામી દિવસોમાં શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.