Vadodara: વડોદરામાં વર્ષોની અતૂટ ધાર્મિક પરંપરા મુજબ દેવઉઠી એકાદશીના પાવન પર્વથી વિવિધ ઐતિહાસિક મંદિરોના ભવ્ય વરઘોડા અને પાલખી યાત્રાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
જે અંતર્ગત 21 નવેમ્બર, શનિવારના રોજ સવારે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, જ્યારે રાત્રે ભગવાન રણછોડરાયજીનો વરઘોડો નીકળશે. જે બાદ 24 નવેમ્બરના રોજ ભગવાન શ્રી નરસિંહજીનો 289મો ઐતિહાસિક વરઘોડો ધામધૂમથી યોજાશે.
આ તમામ પરંપરાગત વરઘોડા ચાર દરવાજા સ્થિત ઐતિહાસિક માંડવી દરવાજા નીચેથી પસાર થાય છે. જોકે હાલ માંડવીની ઈમારતનું સમારકામ ચાલતું હોવાથી તેની આસપાસ પતરાના અવરોધ અને નીચે લોખંડના ગર્ડર લગાવવામાં આવ્યા છે, જેના કારણે યાત્રાના રૂટ અંગે પ્રશ્ન ઊભો થયો હતો.
આ બાબતે વોર્ડ નંબર-14ના ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. ભાવિકોની લાગણી અને વર્ષો જૂની પરંપરા જળવાઈ રહે તે માટે મેયર, સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓએ માંડવીની પ્રત્યક્ષ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.
તંત્ર દ્વારા વરઘોડા દરમિયાન અવરજવરમાં કોઈ અડચણ ન આવે તે માટે પતરા અને લોખંડના ગર્ડરનો જરૂરી ભાગ કામચલાઉ ધોરણે હટાવવાનો તેમજ સફાઈ કામગીરી કરવાનો નિર્ણય લેવાતા ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી છે.
બીજી તરફ ભગવાન શ્રી નરસિંહજીનો 289મો વરઘોડો શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થવાનો હોવાથી પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે. સમગ્ર ધાર્મિક યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ડીસીપી એન્ડ્રુ મેકવાનની ઉપસ્થિતિમાં કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશનના કાફલા દ્વારા અઢણિયા પુલથી તુલસીવાડી મંદિર સુધી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓએ સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવાનું શરૂ કર્યું છે. આમ, વહીવટી તંત્ર અને પોલીસના સંકલનથી શહેરની ઐતિહાસિક ધાર્મિક પરંપરા ભવ્યતા અને શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
