Vadodara: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને રખડતા ઢોરમુક્ત કરવા માટે નિયુક્ત ઢોર પાર્ટી ફરી એક વખત વિવાદમાં આવી છે. પશુપાલક અને ઢોર પાર્ટીના કર્મચારી વચ્ચેની તોડબાજીની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર મચી હતી.
આ ક્લિપમાં કર્મચારી પૈસા લઈને પશુ ન પકડવા તથા પહેલેથી પકડેલી ગાયો છોડવાની વાત કરી રહ્યા હતા. આ કૌભાંડમાં કર્મચારીઓ પશુપાલકો પાસેથી 500 થી 2,000 રૂપિયા સુધીની રકમ, દારૂની બોટલ લેતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
પાલિકાએ તાત્કાલિક પગલાં લેતાં કોન્ટ્રાક્ટ પરના ત્રણ કર્મચારી ધર્મેન્દ્ર, ગણપત અને આદિત્યને બરતરફ કર્યા છે. જ્યારે ટીમ લીડર નિવૃત સૈનિક હરદીપસિંહને નોટિસ આપી ટર્મિનેશનની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ સાથે જ સૈનિક સિક્યુરિટી એજન્સીને રૂ. 5 લાખનો દંડ ફટકારાયો છે. અગાઉ પણ ઢોર પાર્ટી દ્વારા મહિને ભરણ લઈ ગાયો છોડવાનું કૌભાંડ સામે આવ્યું હતું, જેનાથી સમગ્ર કામગીરી પર સવાલો ઊભા થયા છે.
આ અંગે મહાનગરપાલિકાના સિક્યુરિટી અને દબાણ શાખાના HOD મંગેશ જયસ્વાલે જણાવ્યું કે, ટીમ સિવાય કોઈપણ કર્મચારીને મોબાઇલ રાખવાની મંજૂરી નથી. પ્રાથમિક તપાસમાં બે વ્યક્તિ ફિલ્ડ પર નહોતા અને ઘરેથી વાત કરી હોવાનું અનુમાન છે. ઓડિયો ક્લિપ મળતા જ ત્વરિત કાર્યવાહી કરી છે અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે સિક્યુરિટી એજન્સીને કડક સૂચના આપવામાં આવી છે.
