Eating Habits: હંમેશા વડીલો જમતી વખતે વાતો કરવાની ના પાડતા હોય છે. આમ છતાં આપણે ડાઈનિંગ ટેબલ પર એકબીજા સાથે વાતો તો કરતા જ હોઈએ છીએ. આ એક સામાન્ય સામાજિક વ્યવહાર છે. ખાસ કરીને જો બે મિત્રો કે સંબંધીઓ સાથે જમવા બેસે છે, તો હસી-મજાક તો થાય જ છે, પરંતુ શું તમે જાણો છો કે, જમતી વખતે વાત કરવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય?
આ પ્રશ્નનો વિગતવાર જવાબ જાણવા અમે નિષ્ણાંત સાથે ચર્ચા કરી. આ નિષ્ણાંત એટલે દિલ્હી સ્થિત અંજના કાલિયા ડાયટ ક્લિનિકના આયુર્વેદિક ડોકટર ડૉ. અંજના કાલિયા. જેમણે જમતી વખતની આદતો વિશે શું કહ્યું? તે જાણો જેથી આપને યોગ્ય માહિતી મળી રહે.
જમતી વખતે વાત કરવાથી શું થાય? (Side Effects Of Talking While Eating)
જ્યારે આપણે જમતી વખતે વાત કરીએ છીએ, ત્યારે તેની પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. ખોરાકની સાથે હવા પણ મોંમાં પ્રવેશ કરે છે. જેનાથી શરીરમાં વધારાનો ગેસ બને છે, જેને એરોફેજિયા કહેવામાં આવે છે. જેના પરિણામે ઓડકાર, પેટ ફૂલવું જેવી સમસ્યા થાય છે. સતત આમ કરવામાં આવે, તો તે અપચો અને એસિડિટી જેવી સમસ્યાનું કારણ બની શકે છે.
જ્યારે તમે જમતી વખતે વાત કરો છો, ત્યારે તમારું ધ્યાન ખોરાક પરથી ભટકી જાય છે. જેના પરિણામે તમે ક્યાંક તો જરૂર કરતાં વધારે ખાઈ લો છો અને ખાવ તો તેને બરાબર ચાવતા નથી. જેથી ખોરાક વ્યવસ્થિત પચતો નથી. જેના પરિણામસ્વરૂપ શરીરને જરૂરી પોષક તત્વોનો સંપૂર્ણ લાભ નથી મળતો. અડધો પચેલો ખોરાક આંતરડા પર પ્રેશર કરે છે. જેથી ગેસ, કબજિયાત અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
જમતી વખતે બોલવાથી ખોરાક શ્વાસનળીમાં જઈ શકે છે. જેના પરિણામે ખાંસી કે ગૂંગળામણ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. આ જોખમ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં વધારે જોવા મળે છે.
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, વ્યક્તિએ જમતી વખતે શાંત વાતાવરણમાં બેસવું જોઈએ અને ખાવા પર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેનાથી ખોરાક પચવામાં મદદ મળશે અને તેનો સ્વાદ પણ બહેતર લાગશે. આ સાથે જ શરીરને પણ પુરતુ પોષણ મળી રહેશે.
