Foods to Avoid on an Empty Stomach: સવારે ખાલી પેટે આપણે જે પણ ખોરાક લઈએ છીએ, તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય અને પાચનતંત્ર પર પડે છે. આખી રાત પેટ ખાલી રહેવાને કારણે સવારે તે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં ખોટો આહાર લેવાથી ગેસ, એસિડિટી, હાર્ટબર્ન અને પેટનું ફૂલવું જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ઘણા લોકો દિવસની શરૂઆત ચા, કોફી કે જ્યુસથી કરે છે, જેને હેલ્ધી માનવામાં આવે છે, પરંતુ તે પાચનને બગાડી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, દરેક વ્યક્તિના શરીરની પ્રકૃતિ અલગ હોય છે, છતાં પાંચ એવી મુખ્ય વસ્તુઓ છે જેને સવારે ખાલી પેટે ખાવા-પીવાનું ટાળવું જોઈએ.
ચા: મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. પરંતુ ખાલી પેટે ચા પીવાથી તેમાં રહેલા ટેનીન અને કેફીનને લીધે પેટમાં એસિડનું પ્રમાણ ઝડપથી વધે છે. પરિણામે એસિડિટી, પેટમાં બળતરા કે ઉબકા આવી શકે છે. જો તમને પેટની સમસ્યા રહેતી હોય, તો ચા પહેલાં થોડું હળવું ખાવું જરૂરી છે.
કોફી: સવારે ખાલી પેટે કોફી પીવાથી પેટમાં વધારાનું એસિડ ઉત્પન્ન થાય છે. જે લોકોને એસિડ રિફ્લક્સ કે ગેસ્ટ્રિકની સમસ્યા હોય, તેમને કોફી પીધા પછી હાર્ટબર્ન અને બેચેની અનુભવાઈ શકે છે. તેથી ખાલી પેટે આનું સેવન નુકસાનકારક સાબિત થાય છે.
જ્યુસ: જ્યુસ સ્વાસ્થ્ય માટે સારો ગણાય છે, પરંતુ ખાલી પેટે તે યોગ્ય નથી. જ્યુસમાં ફાઇબર હોતું નથી અને કુદરતી ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જેથી બ્ડલ સુગર ઝડપથી વધી જાય છે. આનાથી પેટમાં અસ્વસ્થતા થાય છે અને તરત જ ફરી ભૂખ લાગે છે. જ્યુસ કરતાં આખું ફળ ખાવું વધુ હિતાવહ છે.
ખાટાં ફળો: નારંગી, મોસંબી અને અનાનસ જેવા ખાટાં ફળો વિટામિન સીથી ભરપૂર હોય છે, પરંતુ તેમની પ્રકૃતિ એસિડિક હોય છે. ખાલી પેટે તેને ખાવાથી હાર્ટબર્ન અને પેટમાં બળતરા વધી શકે છે, ખાસ કરીને જેમને પહેલાંથી જ એસિડિટીની તકલીફ હોય.
મસાલેદાર અને તીખો ખોરાક: સવારના નાસ્તામાં વધુ પડતો તીખો કે મસાલેદાર ખોરાક લેવાથી પેટના અસ્તરમાં સોજો કે બળતરા થઈ શકે છે. આના કારણે પેટમાં દુખાવો, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ તરત જ શરૂ થઈ જાય છે.
સવારે ખાલી પેટે શું ખાવું જોઈએ?
દિવસની શરૂઆત હંમેશાં એવા ખોરાકથી કરવી જોઈએ જે પચવામાં સરળ હોય અને શરીરને પૂરતી ઉર્જા આપે. તમે નીચેની વસ્તુઓ ડાયટમાં સામેલ કરી શકો છો:
- પલાળેલી બદામ તે પાચન સુધારે છે અને પોષણ આપે છે.
- દહીં અને ઓટ્સ તે પેટને ઠંડક આપે છે અને ફાઇબરથી ભરપૂર હોય છે.
- તાજા ફળો અને ફણગાવેલા કઠોળ તે શરીરને જરૂરી વિટામિન્સ પૂરા પાડે છે.
- ઈંડા, મૂંગ દાળ ચિલ્લા અથવા પોહા આ હળવો અને પૌષ્ટિક નાસ્તો છે.
જો તમને વારંવાર પાચનની સમસ્યા રહેતી હોય, તો સવારની ખાણીપીણીની આદતો બદલવી ખૂબ જ જરૂરી છે. સવારે થોડી સાવચેતી રાખવાથી આખો દિવસ સ્ફૂર્તિલો અને પેટ તંદુરસ્ત રહેશે.
