બાપોદમાં SMCનો સપાટોઃ કુખ્યાત બુટલેગર નીલુ સિંધીનું ગોડાઉન ઝડપાયું, રૂ. 1 કરોડથી વધુનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત

SMC એ વડોદરાના બાપોદમાં ગુજસીટોકના આરોપી અને કુખ્યાત બુટલેગર નીલુ સિંધીના દારૂના ગોડાઉન પર દરોડો પાડી રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ કાર્યવાહીમાં 16,394 વિદેશી દારૂની બોટલો અને ચાર વાહનો જપ્ત કરાયા, સ્થાનિક પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 23 Aug 2026 08:31 PM (IST)Updated: Sun, 23 Aug 2026 08:31 PM (IST)
vadodara-news-smc-major-action-in-bapod-rs-1-crore-foreign-liquor-seized-from-bootlegger-nilu-sindhi

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરમાં ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત આજે બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નિલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાં SMCની ટીમે ઓચિંતો દરોડો પાડીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. 

રૂ. 84 લાખની કિંમતની 16,394 શરાબની બોટલો મળી

આ દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી કુલ 16,394 વિદેશી દારૂની બોટલો અને ટીન મળી આવ્યા હતા, જેની બજાર કિંમત અંદાજે રૂ. 84,01,258 હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા ચાર વાહનો જેમાં મહિન્દ્રા બોલેરો પિકઅપ, મારુતિ સુઝુકી સુપર કેરી, મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર અને TVS જુપિટરનો સમાવેશ થાય છે. તેમજ વાહનોની અંદાજિત કિંમત રૂ. 16,20,000 છે. આમ દારૂ અને વાહનો સહિત કુલ રૂ. 1,00,21,258 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બુટલેગર નીલુ સિંધી અને અન્ય આરોપીઓ વોન્ટેડ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, જપ્ત કરાયેલો આ જથ્થો વડોદરાના કુખ્યાત અને ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં જામીન પર બહાર આવેલા લિસ્ટેડ બુટલેગર નીલેશ ઉર્ફે નિલુ સિંધીનો છે. આ પ્રકરણમાં વાહનોના માલિકો, દારૂ મોકલનાર શખ્સ તેમજ સ્થળ પરથી ફરાર થયેલા લોકો સહિતના શંકાસ્પદોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

બાપોદ પોલીસ સ્ટેશનની નાક નીચે આટલા મોટા પ્રમાણમાં દારૂનું ગોડાઉન ધમધમતું હતું અને કટિંગ થતું હતું. આમ છતાં સ્થાનિક પોલીસ અજાણ કેવી રીતે રહી તે મોટો પ્રશ્ન છે. આ દરોડા બાદ બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ અને PSIની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હવે સ્થાનિક જવાબદાર અધિકારીઓ સામે કડક ખાતાકીય પગલાં કે સસ્પેન્શનની કાર્યવાહી થાય તેવી સંભાવના સેવાઈ રહી છે.

ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ

SMCના પી.આઈ. એમ.કે. માલવિયા અને તેમની ટીમ દ્વારા હાથ ધરેલી આ કાર્યવાહીમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2) અને 116(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર સપ્લાય ચેઈન અને નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.