સાવલીના પ્રથમપુરા ગામે દીપડાની દહેશત: વાસણ માંજતી માતાની બાજુમાં રમતી દીકરી પર તરાપ મારીને ઝાડીઓમાં ભાગ્યો, ભયભીત ગ્રામજનોની આખી રાત પહેરેદારી

વડોદરાના સાવલી તાલુકાના પ્રથમપુરા ગામમાં દીપડાની સતત હિલચાલ અને એક બાળકી પર હુમલાને કારણે ભયનો માહોલ છે. ગ્રામજનો રાતભર ચોકીદારી કરી રહ્યા છે અને વન વિભાગને તાત્કાલિક દીપડાને પકડવા પાંજરા ગોઠવવાની માંગ કરી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 23 Aug 2026 08:13 PM (IST)Updated: Sun, 23 Aug 2026 08:27 PM (IST)
vadodara-news-leopard-attacks-young-girl-playing-near-mother-in-prathampura-village-of-savli

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પ્રથમપુરા (સિહોરા) ગામમાં છેલ્લા બે દિવસથી દીપડાની સતત હિલચાલ અને આજે એક સ્થાનિક વ્યક્તિ પર થયેલા હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટ ફેલાઈ ગયો છે. કોતર વિસ્તારમાં દીપડાની અવરજવર બાદ ગ્રામજનો લાકડીઓ લઈને શોધવા નીકળી પડ્યા હતા અને ગામમાં આખી રાત ચોકીદારી કરી રહ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પ્રથમપુરા અને તેની આસપાસનો વિસ્તાર ખેતી તથા કુદરતી વનસ્પતિથી ઘેરાયેલો હોવાથી જંગલી પ્રાણીઓની અવરજવર અહીં અવારનવાર થાય છે. જો કે છેલ્લા બે દિવસથી દીપડો ખુલ્લેઆમ ફરી રહ્યો હોવાથી ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનો સાવચેત બન્યા હતા.

એવામાં સાંજના સમયે ગામમાં રહેતા સુરેશ જાદવના પત્ની ઘર નજીક વાસણ માંજતા હતા, જ્યારે તેમની તેમની બાળકી નજીકમાં રમી રહી હતી. આ સમયે અચાનક આવી ચડેલા દીપડાએ બાળકીને તરાપ મારી હતી. આ સમયે માતાએ બૂમાબૂમ કરતા દીપડો ઝાડીઓમાં ભાગી છૂટ્યો હતો.

આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનો લાકડીઓ સાથે આસપાસના વિસ્તારમાં દીપડાની શોધખોળ કરવા નિકળી પડ્યા હતા. દીપડાના સતત ભયને કારણે ગ્રામજનો દ્વારા પોતાના પરિવાર અને પશુઓની રક્ષા માટે આખી રાત જાગીને ચોકીદારી કરવામાં આવી રહી છે.

જો કે નિષ્ણાતોના મતે પ્રશિક્ષિત વનકર્મીઓની ગેરહાજરીમાં જાતે દીપડાને શોધવો કે હાંકી કાઢવો જોખમી સાબિત થઈ શકે છે. ગ્રામજનોની મુખ્ય માગ છે કે, વન વિભાગ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને પાંજરા ગોઠવે અને દીપડાને સુરક્ષિત રીતે પકડીને અન્યત્ર ખસેડે.

દીપડાના આતંકના કારણે ગામમાં ભયનું વાતાવરણ છે. લોકોએ સાંજ અને રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળી દીધું છે, જ્યારે બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ ચિંતિત છે. ગ્રામજનો વન વિભાગ પાસે તાત્કાલિક પેટ્રોલિંગ વધારવાની અને યોગ્ય ટ્રેપ કેમેરા કે પાંજરા ગોઠવવાની માગ કરી રહ્યા છે.