Bhavnagar: મથાવડા ગામના તળાવમાં નહાવા પડેલા ચાર મિત્રો પૈકી બેના ડૂબી જવાથી મોત, 2ને ગ્રામજનોએ બચાવ્યા

ભાવનગરના તળાજા તાલુકાના મથાવડા ગામમાં તળાવમાં નહાવા પડેલા ચાર યુવકો પૈકી બેના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે બેને ગ્રામજનોએ બચાવી લીધા. મૃતકોમાં તુષાર શિયાળ અને મિલન શિયાળનો સમાવેશ થાય છે, જેમાં મિલન પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળના સગા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 23 Aug 2026 07:45 PM (IST)Updated: Sun, 23 Aug 2026 07:45 PM (IST)
bhavnagar-news-2-drown-2-rescued-after-4-friends-go-swimming-in-mathavada-village-lake

Bhavnagar News: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા ગામમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં ગામના તળાવમાં ન્હાવા પડેલા ચાર યુવકો તણાઈ ગયા હતા, જે પૈકી બે યુવકોને સ્થાનિક ગ્રામજનોએ બચાવી લીધા છે. જ્યારે બે યુવકોનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.

તળાવમાં ન્હાવા પડ્યા, પરંતુ ઊંડાઈનો અંદાજ ના રહેતા પાણીમાં ગરકાવ

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, તળાજા તાલુકાના મથાવાડા ગામમાં રહેતા 4 યુવકો આજે બપોરના સમયે ગામમાં આવેલા તળાવમાં નહાવા માટે પડ્યા હતા. આ સમયે ઊંડાઈનો અંદાજો ના રહેતા વારાફરતી ચારેય યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.

આ સમયે બૂમાબૂમ થતાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જેમણે સમયસર બે યુવકોને બહાર ખેંચી લેતા તેમનો માંડ-માંડ જીવ બચ્યો હતો. જ્યારે અન્ય બે યુવકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ સહિત ગ્રામજનોએ તળાવમાં યુવકોની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બન્નેના મૃતદેહો જ હાથમાં આવ્યા હતા. બીજી તરફ આ બનાવને પગલે પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી. જ્યાં બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તળાજા હોસ્પિટલ મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવકોની ઓળખ તુષાર શિયાળ (18) અને મિલન શિયાળ (22) તરીકે થઈ છે. મૃતક યુવકો પૈકી મિલન ભાવનગરના પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળના સગામાં થતો હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ ઘટનાના પગલે શિયાળ પરિવાર તેમજ મથાવડા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.