Bhavnagar Former Mayor Bharat Barad: ભાવનગર ભાજપ સંગઠનમાં આંતરિક અસંતોષ અને નારાજગી ફરી એકવાર સપાટી પર આવી છે. શહેરમાં આયોજિત 25 ઈ-બસના લોકાર્પણ અને સામત-આઠમના લોકમેળા જેવા અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડે સંગઠનના વર્તમાન પદાધિકારીઓ સામે જાહેરમાં ઉગ્ર નારાજગી અને રોષ વ્યક્ત કર્યો છે.
'મારા શરીર પર આજે પણ મારના ડાઘ છે'
પૂર્વ મેયર ભરત બારડે અવગણના સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, "ભાવનગર ભાજપ શહેરે ભૂલવું ન જોઈએ કે અમે પક્ષ માટે માર પણ ખાધા છે." તેમણે રોષ સાથે ઉમેર્યું કે, "ગમે ત્યારે, ગમે તે વડીલને, ગમે તે પ્રમુખને, ગમે તે આગેવાનને કપડાં કાઢીને દેખાડવાની મારી તૈયારી છે. મારના ડાઘા આજ દિવસે પણ મારા શરીર પરથી ગયા નથી." પક્ષ દ્વારા યુવાનોને સંગઠનમાં આગળ લાવવાની પદ્ધતિ સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ પક્ષ માટે વર્ષો સુધી જે વરિષ્ઠ કાર્યકર્તાઓએ સંઘર્ષ કર્યો છે તેમની આ રીતે અવગણના ન થવી જોઈએ.
મહત્વનો ફાળો છતાં આમંત્રણ પત્રિકા નહીં
ભરત બારડે જણાવ્યું કે, મહત્વના કાર્યક્રમોમાં તેમને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. તેમણે વર્તમાન પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, આવા કાર્યક્રમોમાં સિનિયરોને યાદ રાખવા એ વર્તમાન પદાધિકારીઓની ખાસ જવાબદારી બને છે. જ્યારે પોતે જવાબદારી પર હતા ત્યારે કોઈને ભૂલ્યા નહોતા. શહેરમાં ઈ-બસોના લોકાર્પણ કાર્યક્રમમાં ખુદનો મહત્વનો ફાળો હોવા છતાં આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. જ્યારે કે પક્ષે સોંપેલી તમામ મહત્વની જવાબદારી હંમેશા સંપૂર્ણ ઈમાનદારી અને વફાદારીપૂર્વક નિભાવીને લોકો માટે કામ કર્યું છે.
'પરાણે સ્ટેજ પર બેસાડતા હોય તેવો અનુભવ'
પૂર્વ મેયરે ખુલાસો કર્યો કે, સ્થાનિક બોડીમાં તેમને કોઈ પણ વ્યક્તિ સાથે વ્યક્તિગત કોઈ વાંધો નથી, પરંતુ સિનિયર કાર્યકર્તા તરીકે પદાધિકારીઓએ તેમને સન્માનપૂર્વક યાદ રાખવા જોઈએ. તેમણે કહ્યું કે, "જ્યારે મને સ્ટેજ ઉપર બેસાડવામાં આવે છે, ત્યારે પરાણે બેસાડતા હોય તેવો અનુભવ થાય છે." જો પક્ષના આગેવાનોને તેમની સાથે કોઈ વાંધો હોય તો તેમણે સ્પષ્ટ કહી દેવું જોઈએ. જો પોતાની કોઈ ભૂલ હોય તો તેઓ કાન પકડવા પણ તૈયાર છે, પરંતુ આ રીતે પક્ષમાં તેમની અવગણના અસ્વીકાર્ય છે.
'જિંદગી ખપાવી દેનારા વડીલોને ભૂલશો નહીં'
મુશ્કેલ સમયને યાદ કરતા ભરત બારડે જણાવ્યું કે, વર્ષ 2001માં સિનિયર કાર્યકર્તા તરીકે સક્રિય હતા અને કોમવાદ ફાટી નીકળ્યો હતો. તે મુશ્કેલ સમયમાં તેમની સગી એકની એક બહેનનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું અને તેની બચેલી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. આવી કટોકટી વચ્ચે પણ તેઓ પક્ષના કામમાં જોડાયેલા રહ્યા હતા.
ભરત બારડે ભારપૂર્વક માંગણી કરી કે, પક્ષ યુવાનોને આગળ લાવે તેની સામે કોઈ વિરોધ નથી, પરંતુ તેમના જેવા 60 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા અને પક્ષ માટે પોતાની આખી જિંદગી ખપાવી દેનારા વરિષ્ઠ કાર્યકર્તાઓને સંગઠને ક્યારેય ભૂલવા ન જોઈએ. કારણ કે, શેરી સ્તરથી લઈને મેયર પદ સુધી સતત સક્રિય રહ્યા છે, અને હાલ કોઈ સત્તાવાર જવાબદારી ન હોવા છતાં પક્ષ માટે સતત કામ કરી રહ્યા છે.
