Bhavnagar city BJP: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં નવા સંગઠન માટે અગાઉ ટીમોની રચના કરવામાં આવી હતી. જે બાદ હવે ભાવનગર શહેર ભાજપના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ દ્વારા 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રી સહિતના નવા હોદ્દેદારોની નિમણૂક યાદી જાહેર કરવામાં આવી છે.
ભાવનગર શહેર ભાજપ સંગઠનનું નવું માળખું
ભાવનગર શહેર ભાજપના નવા સંગઠન અંગે લાંબા સમયથી ચાલતી ચર્ચાનો અંત આવ્યો છે. ગતરોજ સાંજે શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે નવા હોદ્દેદારોની યાદી જાહેર કરી હતી. ભાવનગર શહેર ભાજપમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીની નિમણૂક કરવામાં આવી છે. જે બાદ પક્ષના કાર્યકરો અને સહયોગીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીની નિમણૂક
શહેર ભાજપ પ્રમુખેે જાહેર કરેલી નવી યાદી અનુસાર, ભાવનગર શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારોમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી, યુવા મોરચા અને મહિલા મોરચાના પ્રમુખ-મહામંત્રી, કિશાન મોરચા, બક્ષીપંચ (OBC) મોરચા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મોરચા, લઘુમતી મોરચા સહિતના પ્રમુખ-મહામંત્રીનો સમાવેશ થાય છે.
બક્ષીપંચ મોરચાના પ્રમુખનું હાર્ટએટેકથી મોત
નવા હોદ્દેદારોની યાદી મુજબ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે કુંભારવાળના રહેવાસી ભાવેશ અશોકભાઈ રબારીની નિમણૂક થઈ હતી. બીજી તરફ તેઓ સાંજે 6.30 આસપાસ કામથી બહાર ગયા હતા. તે સમયે તેમને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ભાવેશભાઈ રબારીનું હાર્ટએટેકથી દુઃખદ મોત થયું છે. આ ઘટનાથી તેમના પરિવારજનો અને ભાજપ પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી.
સાત મોરચાના પ્રમુખ અને મહામંત્રીની પણ જાહેરાત
શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે જણાવ્યું કે, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નકરના માર્ગદર્શન અને આદેશ અનુસાર, નવા હોદ્દેદારોની જાહેર કરવામાં આવી છે. યાદી અનુસાર 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, 8 મંત્રી, 1 કોષાઅધ્યક્ષ, કાર્યાલય મંત્રીની નિમણૂક કરી છે. તેમજ સાત મોરચાના પ્રમુખ, મહામંત્રી, IT કન્વીનર, સોશિયલ મીડિયા અને મીડિયા કન્વીનર સહિત અલગ અલગ તમામ ટીમની જાહેરાત કરવામાં આવી છે.
શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે વધુમાં કહ્યું કે, આજે જે સૌ પદાધિકારીઓની નિમણૂક થઈ છે, તેમને પણ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું.
