ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ બુટલેગરો સામે SMCની લાલઆંખ, આણંદમાં ઓચિંતા દરોડા પાડી ડુપ્લિકેટ વિદેશી શરાબની 150 પેટીઓ ઝડપી

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ SMC એ બુટલેગરો સામે લાલ આંખ કરી આણંદમાં દરોડા પાડ્યા. આ દરોડામાં રૂ. 19.63 લાખથી વધુનો ડુપ્લિકેટ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો, જેમાં એક ઝડપાયો અને પાંચ વોન્ટેડ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 23 Aug 2026 05:39 PM (IST)Updated: Sun, 23 Aug 2026 05:39 PM (IST)
smc-rs-34-69-lakh-fake-foreign-liquor-seized-in-anand-after-bhavnagar-hooch-tragedy

પ્રશાંત ગજ્જર, Bhavnagar Hooch Tragedy: ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને બુટલેગરો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

તાજેતરમાં આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભાલેજ-આણંદ રોડ પર SMC ની ટીમે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ સરપ્રાઈઝ દરોડા દરમિયાન કુખ્યાત ડુપ્લિકેટ ઈંગ્લિશ દારૂ અને બિયરના મોટા નેટવર્ક પર્દાફાશ થયો છે, જેના કારણે સ્થાનિક પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે.

150 પેટીઓ અને 7,187 બોટલો જપ્ત

SMC ની સઘન તપાસ દરમિયાન ભાલેજ-આણંદ રોડ પર આવેલ અપ્પુ વે-બ્રિજ નજીકથી ડુપ્લિકેટ ઇંગ્લીશ દારૂ તથા બિયરનો મોટો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી અંદાજે 150 પેટીઓ કબજે કરી છે.

કુલ 7,187 નંગ બોટલોનો આ જથ્થો શંકાસ્પદ હોવાનું જણાઈ આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 19,63,000થી વધુ છે. દારૂના આ જથ્થા ઉપરાંત પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય સાધન-સામગ્રી સહિત કુલ રૂ. 34,69,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મહારાષ્ટ્રના નાસિકથી લાવવામાં આવ્યો હતો જથ્થો

પ્રાથમિક તપાસ અને પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ ડુપ્લિકેટ દારૂનો મોટો જથ્થો મહારાષ્ટ્રના નાસિક ખાતેથી લાવવામાં આવ્યો હતો. આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા શખ્સો દ્વારા મોટા પાયે ગેરકાયદે વેપાર ચલાવવામાં આવી રહ્યો હતો.

એક શખ્સ ઝડપાયો, પાંચ વોન્ટેડ જાહેર

આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય પાંચ મુખ્ય શખ્સોને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે આણંદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.