Vallabh Vidyanagar Food Poisoning Incident: શૈક્ષણિકનગરી વલ્લભ વિદ્યાનગરની રાણક ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. ગતરાત્રે પનીરનું શાક અને ફ્રૂટ સલાડ આરોગ્યા બાદ અચાનક વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. અસહ્ય પેટનો દુખાવો, સતત ઝાડા અને ઉલટીની ફરિયાદ સાથે 200થી વધુ છાત્રાને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.
વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર
અસરગ્રસ્ત પૈકી 20થી વધુ વિદ્યાર્થિનીઓની સ્થિતિ વધુ નાજુક જણાતાં તેમને તાત્કાલિક સ્થાનિક સરકારી અને ખાનગી આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, ઘટનાની જાણ થવા છતાં હોસ્ટેલ પ્રશાસન દ્વારા તબીબી સહાય આપવામાં આશરે બે કલાક જેટલો વિલંબ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છાત્રાઓ અને તેમના વાલીઓ કરી રહ્યા છે.
રસોડામાંથી ગંદકી અને જીવાતવાળું અનાજ
સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈને ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ વિભાગ તેમજ આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમોએ હોસ્ટેલ પરિસરમાં દરોડો પાડ્યો હતો. અધિકારીઓએ મેસ વિભાગના રસોડા અને સ્ટોરરૂમની ચકાસણી કરતા બેદરકારી છતી થઈ હતી. રસોડામાં અસ્વચ્છતા જોવા મળી અને સંગ્રહિત કરવામાં આવેલા અનાજમાંથી જીવાતો મળી આવી હતી. પ્રાથમિક તારણ મુજબ વાસી ઘટકો અને દૂષિત સામગ્રીના ઉપયોગથી આ સ્થિતિ સર્જાઈ છે. તંત્રએ ભોજનના નમૂના સીલ કરીને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
જવાબદાર સામે કડક લેવાની પગલાંની માંગ
સ્થિતિ પર કાબૂ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્ટેલ કમ્પાઉન્ડમાં જ તાત્કાલિક હેલ્થ કેમ્પ શરૂ કરી દેવાયો છે, જ્યાં અન્ય અસરગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. સદનસીબે, તબીબી સમીક્ષા બાદ મોટાભાગની વિદ્યાર્થિનીઓની તંદુરસ્તીમાં સુધારો જોવા મળ્યો છે. છાત્રાઓના જીવ સાથે ખિલવાડ કરનાર હોસ્ટેલ સંચાલકો અને મેસ કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી દંડનીય કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી ઉઠી રહી છે.
