Sabarkantha: ઈડરની હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનથી 36 બાળકોને ફૂડ પોઈઝનિંગ, મગચાટમાંથી મરેલી ગરોળી મળતાં ચકચાર

સાબરકાંઠાના ઈડર તાલુકાની હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં મરેલી ગરોળી મળતાં 36 બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. તમામ બાળકોને ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 11 Aug 2026 09:53 AM (IST)Updated: Tue, 11 Aug 2026 09:53 AM (IST)
idar-hasanpura-school-midday-meal-food-poisoning-lizard-in-food

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલી હસનપુરા પ્રાથમિક શાળામાં સોમવારે મધ્યાહન ભોજન આરોગ્યા બાદ 36 જેટલા વિદ્યાર્થીઓને અચાનક ફૂડ પોઇઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે. ભોજનમાં પીરસવામાં આવતા મગચાટમાંથી ફ્રાટ કરેલી મરેલી ગરોળીના અવશેષ મળી આવ્યા હોવાનો વાલીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે.

ભોજન લીધા બાદ બાળકોની તબિયત લથડી

મળતી માહિતી મુજબ, સોમવારે સવારે 11.20 વાગ્યાની આસપાસ હસનપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મેન્યુ મુજબ મગચાટ પીરસવામાં આવી હતી, ભોજન આરોગ્યા બાદ થોડા સમયમાં જ બાળકોને ઉલટી, ઉબકા અને પેટમાં બળતરા જેવી તકલીફો થવા લાગી હતી. 36 જેટલા બાળકોની તબિયત અચાનક બગડતાં શાળા તંત્રમાં અફરાતફરી મચી જવા પામી હતી અને ભોજન પીરસવાનું તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું હતું.

36 બાળકોને સિવિલ હોસ્પિટલે ખસેડ્યા

તબિયત લથડતાં જ તમામ 36 બાળકોને તાત્કાલિક ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઇડર સિવિલના અધિક્ષક ડો. સંજય ચૌહાણના જણાવ્યા પ્રમાણે, બાળકોને જરુરી તબીબી સારવાર આપતાં હાલ તમામ વિદ્યાર્થીઓની આરોગ્ય સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે. જે બાળકોની તબિયતમાં સુધારો આવ્યો છે. તેમને રજા આપી દેવાઈ છે.

ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગે સેમ્પલ લીધા

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઈડર પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. તેમજ વધુની તપાસના આદેશ આપ્યા હતા. TPEO જયેશ પ્રજાપતિએ જણાવ્યું કે, મુખ્ય શિક્ષકના જણાવ્યા અનુસાર ભોજનમાં ગરોળી જેવું કંઈક હોવાનું સામે આવ્યું છે. દરમિયાન ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગની ટીમે હસનપુરા શાળા પહોંચીને ભોજનના નમૂનાઓ એકત્રિત કર્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ ખોરાક ઝેરી થવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.