Vadodara: શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા નવરાત્રિના નવ દિવસ ગૌ માતાને નૈવેદ્ય અર્પણ કરવામાં આવશે

માઁ જગદંબાની આરાધના સાથે ગૌ માતાની સેવા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 02 Oct 2024 05:44 PM (IST)Updated: Wed, 02 Oct 2024 05:44 PM (IST)
vadodara-news-shravan-seva-foundation-gau-seva-during-navratri-2024

Vadodara: નવરાત્રીમાં માં જગદંબાની આરાધના સાથે ગૌ માતા માટે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા અનોખી સેવા કરવામાં આવશે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીને જેવી રીતે નૈવેધ ધરાવવામાં આવે છે, તેવી જ રીતે નવરાત્રીના નવે નવ દિવસે ગૌ માતાને પણ નૈવેધ અર્પણ કરવામાં આવશે. ગૌ સેવાનું મહત્વ સમજાવવા માટે તેમજ લોકોમાં ગૌસેવાની ભાવનાને વેગ આપવા માટે આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

છેલ્લા ઘણાં સમયથી શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગૌ માતા માટે સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.નવરાત્રી દરમિયાન પણ ફાઉન્ડેશન દ્વારા ગૌ માતા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને સૌ કોઈ બિરદાવી રહ્યું છે.

હકીકતમાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગૌ માતાને સુખરી, શીરો, સીંગદાણા, તલની ચિક્કી, માલપુવાં, કંસાર, ગુલાબજાંબુ, બરફી, મોહનથાળ અને લાડુ જેવા અલગ-અલગ મિષ્ટાનનો ભોગ ધરાવવામાં આવશે.

આ મિષ્ટાન સિવાય નવ દિવસ દરમિયાન ગૌ માતાને અલગ-અલગ ફળો, રોટલી અને લીલુ ઘાસ પણ ખવડાવવામાં આવશે. આમ શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા સેવાકીય કાર્યોને તહેવારો સાથે જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.