Kutch: ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પાટણ-હારીજ હાઈવે પર ઈકોકાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 સભ્યોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. એવામાં આજે આવો જ વધુ એક બનાવ કચ્છ જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં માંતેલા સાંઢની માફક ધસી આવેલા ટ્રકે માતાના મઢના દર્શનાર્થે જઈ રહેલા યાત્રિકોના ટ્રેક્ટરને ટક્કર મારી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સામખીયાળી-મોરબી હાઈવે પર આવેલા નવા અને જૂના કટારિયા પાટીયા વચ્ચેના રસ્તા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં માતાના મઢના દર્શન કરવા જઈ રહેલા માઈભક્તોના ટ્રેક્ટરને પાછળથી પુરઝડપે જતાં ટ્રકે ટક્કર મારી હતી.
ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે, ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા 15થી વધુ યાત્રાળુઓ ફૂટબૉલની માફક ફંગોળાઈને નીચે પટકાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બે જણાના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું છે.
આમ આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે વૃદ્ધો અને બાળકો સહિત 12 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તમામને સામખીયાળીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના પગલે હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. હાલ તો સામખીયાળી અને લાકડીયા પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
