વડોદરામાં નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ: 3 લાખથી વધુ ખેલૈયાઓ માટે રૂ. 30.18 કરોડનો વીમો, ગરબા ગ્રાઉન્ડમાં મગર અને સાપ પકડવા રેસ્ક્યુ ટીમ તૈનાત

ખેલૈયાઓને હ્રદય રોગના હુમલાની શક્યતાને જોતા ગરબા આયોજકો દ્વારા સ્ટાફને CPRની તાલીમ અપાઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 02 Oct 2024 04:51 PM (IST)Updated: Wed, 02 Oct 2024 04:51 PM (IST)
vadodara-news-rs-30-crore-insurance-for-more-than-3-lakh-khelaiya-during-navratri-2024

Vadodara: વડોદરા શહેરમાં નવરાત્રી દરમિયાન ગરબા મેદાનો પર ફાયર તેમજ પોલીસ સહિત હવે રેસ્ક્યુ ટીમ પણ તૈનાત રહેશે. શહેરના પ્રસિદ્ધ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મગર તેમજ સાપ સહિત અન્ય વન્યજીવોને પકડવા માટે રેસ્ક્યુ ટીમ હાજર રહેશે. એટલું જ નહીં વડોદરાના ખેલૈયાઓ માટે નવરાત્રી દરમિયાન કેટલાક મોટા ગરબા આયોજકો દ્વારા કરોડો રૂપિયાનો ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે. જેની કિંમત ગત વર્ષ કરતાં પણ વધુ છે.

આવતીકાલથી સમગ્ર દેશમાં આસો નવરાત્રીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. જેના પગલે ગરબા આયોજકો હાલ ખડેપગે તૈનાત રહીને તૈયારીઓમાં લાગ્યા છે. શહેરના પ્રસિદ્ધ ગરબા જેવા કે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ (VNF), યુનાઇટેડ વે, અંબાલાલ પાર્ક, પાટીદાર સમાજ ગરબા, શ્રી નવશક્તિ ગરબા સહિત અનેક ગરબા મેદાનો પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલથી ખેલૈયાઓ ચાચર ચોકમાં મન મૂકીને ગરબે ઘુમશે, ત્યારે ખેલૈયાઓ માટે છ મોટા ગરબા આયોજકો દ્વારા અંદાજિત ત્રણ લાખથી વધુ ખેલૈયાઓ માટે 30.18 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે.

જેમાં વડોદરાના સૌથી પ્રખ્યાત અને મોટા ગરબા યુનાઇટેડ વેના ગરબા આયોજકો દ્વારા 14 કરોડ રૂપિયા, વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા આયોજકો દ્વારા 5.68 કરોડ રૂપિયા, વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા ચાર કરોડ રૂપિયા, શ્રી સમસ્ત પાટીદાર સમાજ દ્વારા 1.50 કરોડ રૂપિયા, શ્રી નવશક્તિ ગરબાના આયોજકો દ્વારા રૂપિયા બે કરોડ તેમજ કારેલીબાગ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં આયોજિત ગરબાના આયોજકો દ્વારા ત્રણ કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે. ઇન્સ્યોરન્સની આ કિંમત ગત વર્ષની સરખામણી કરતા કુલ રૂપિયા 7 કરોડ જેટલી વધુ છે.

લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે આયોજિત ગરબામાં નવરાત્રી દરમિયાન ગરબા મેદાન કે તેની આસપાસ મગર સાપ કે કોઈ અન્ય વન્યજીવ ન ઘુસી આવે તે માટે રેસ્ક્યુ ટીમ હાજર રહેશે. આ સિવાય આજકાલ યુવાનોમાં વધી રહેલા હૃદય રોગના હુમલાને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો દ્વારા તકેદારી લેવામાં આવી છે. જે માટે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા આયોજન દ્વારા વી એન એફ ની ટીમ મેમ્બર માટે CPR તાલીમ પણ આપવામાં આવી છે.