Vadodara: ગેરકાયદે કોડીનયુક્ત કફ સીરપનું વેચાણ ભારે પડ્યું, ખોટા બિલ બનાવી 9 હજાર બોટલ વેચનાર એસ.ડી. ફાર્માનો પરવાનો કાયમી રદ્દ

વડોદરામાં એસ.ડી. ફાર્માનો પરવાનો કોડીનયુક્ત કફ સિરપના ગેરકાયદેસર વેચાણ બદલ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે. ખોટા બિલ બનાવી 9,000 બોટલ વેચવાનો પર્દાફાશ થતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રે કડક કાર્યવાહી કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Aug 2026 09:07 PM (IST)Updated: Tue, 11 Aug 2026 09:07 PM (IST)
vadodara-news-sd-pharma-license-permanently-cancelled-for-illegal-codeine-cough-syrup-racket

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વધુ નફો રળી લેવાના હેતુથી કેટલાક કેમિસ્ટો દ્વારા નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. શહેરના સનફાર્મા રોડ પર આવેલી એસ.ડી. ફાર્મા નામની પેઢી દ્વારા કોડીનયુક્ત કફ સીરપની 9 હજાર બોટલોનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવતા તંત્ર દ્વારા આ પેઢીનો લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન વિભાગના મદદનીશ કમિશ્નર ડો. એ.એચ. ઝાલાની સીધી દોરવણી હેઠળ ઔષધ નિરીક્ષકો દ્વારા સનફાર્મા રોડ સ્થિત એસ.ડી. ફાર્મામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે પેઢીના માલિક હાર્દિક વિનોદભાઈ શાહ દ્વારા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે આવેલી મહારાજજી એન્ટરપ્રાઈઝમાંથી કોડીનયુક્ત કફ સીરપની જંગી માત્રામાં 9,000 બોટલો ખરીદવામાં આવી હતી.

આ ખરીદી સંદર્ભે રજૂ કરવામાં આવેલા બિલની ચકાસણી કરતાં તેમાં બેચ નંબર, લાયસન્સ નંબર અને એક્સપાયરી ડેટ જેવી પ્રાથમિક વિગતો પણ નહોતી. એટલું જ નહીં, સંબંધિત પેઢીનો કોઈ સંપર્ક નંબર પણ ઉપલબ્ધ ન હોવાથી આ બીલો સંપૂર્ણપણે બનાવટી અને ઉપજાવી કાઢેલા હોવાનું સ્પષ્ટ થયું હતું.

તપાસમાં વધુમાં ખુલાસો થયો હતો કે, આ શંકાસ્પદ પેઢીમાંથી ખરીદેલી બોટલો પૈકી હરણી રોડ પર આવેલી બંધ હાલતની એ.જે. એન્ટરપ્રાઈઝને 1,440 બોટલ વેચવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદની એક પેઢીને 7,560 બોટલનું વેચાણ દર્શાવીને સત્તાવાર બિલમાં ગંભીર પ્રકારની છેડછાડ કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે ગંભીર નોંધ લઈને ઔષધ નિયમન તંત્ર દ્વારા એસ.ડી. ફાર્માને કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી હતી. પેઢી દ્વારા ગત 17મી તારીખે આ અંગે ખુલાસો રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો જવાબ સંતોષકારક ન જણાતા આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

તબીબી નિષ્ણાતોના મતે, કોડીનયુક્ત કફ સીરપનો નશાકારક પદાર્થ તરીકે વધુ પડતો કે અનધિકૃત ઉપયોગ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેના સેવનથી શ્વાસોશ્વાસમાં ગંભીર તકલીફ થવી, હૃદયના ધબકારા ધીમા પડી જવા, દર્દી કોમામાં જતો રહેવા અથવા તો અચાનક હાર્ટ એટેક આવવા જેવી જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વડોદરા તંત્રની આ લાલઘૂમ કાર્યવાહીથી ગેરકાયદેસર નશો વેચનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.