પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર માર્ગ પર અકસ્માતોનું પ્રમાણ દિનપ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેના કારણે આ રોડ હવે 'અકસ્માત ઝોન' બની ગયો છે. તાજેતરમાં પાદરાના કુરાલ ગામ નજીક એક વધુ જીવલેણ અકસ્માત સર્જાયો છે, જેમાં કન્ટેનર પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં કારચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ગંભીર બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરા-જંબુસર રોડ પરથી એક કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન કુરાલ ગામ નજીક પહોંચતા જ અચાનક આગળ ચાલી રહેલા એક કન્ટેનર પાછળ આ કાર ધડાકાભેર અથડાઈ હતી.
આ પણ વાંચો
ટક્કર એટલી ભીષણ હતી કે, કારનો આગળનો ભાગ કન્ટેનરની અંદર ધસી ગયો હતો અને કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ ઘટનાની જાણ થતાં જ વડું પોલીસ મથકનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા મૃતક ચાલકના શબને બહાર કાઢ્યું હતું. જે બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ તેમજ આગળની પ્રક્રિયા માટે વડું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ ભીષણ અકસ્માતને કારણે પાદરા-જંબુસર હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. વડું પોલીસે તાત્કાલિક ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવીને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પાદરા-જંબુસર માર્ગ પર અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ માર્ગ પર વધતા અકસ્માતોને અટકાવવા માટે તંત્ર દ્વારા યોગ્ય ટ્રાફિક નિયંત્રણ અને કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે. હાલ વડું પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
