Vadodara News: તહેવારોની સિઝનમાં બજારમાં વેચાતી ખાધ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત કરવામાં આવેલા ખાદ્ય પદાર્થોના લેબોરેટરી રિપોર્ટ સામે આવ્યા છે, જે અત્યંત ચોંકાવનારા છે. તપાસ દરમિયાન મોટાભાગના ખાદ્ય નમૂનાઓ 'સબ સ્ટાન્ડર્ડ' સાબિત થયા છે, જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે.
મનપા દ્વારા વિશેષ ચેકિંગ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી અગાઉ વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરની વિવિધ દુકાનો, ડેરીઓ અને ખાણીપીણીના સ્થળો પરથી સિંગતેલ, ઘી, મિશ્ર તેલ, પનીર, તુવેરદાળ, ગોળ, ચટણી અને અથાણાના સંભાર સહિતના વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
ખાદ્યપદાર્થોના નમુના ફેલ ગયા
તાજેતરમાં પ્રાપ્ત થયેલા લેબોરેટરી અહેવાલો મુજબ, આ તમામ આવશ્યક ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ નીવડ્યા છે. ખાસ કરીને રોજિંદા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓ જેવી કે સિંગતેલ, શુદ્ધ ઘી અને પનીર જેવા પદાર્થોમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ અથવા ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો છે.
ગ્રાહકોમાં રોષની લાગણી ફેલાઈ
આ તપાસમાં જાણીતી પેઢીઓ અને સંસ્થાઓ પણ સામે આવી છે. કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, 'અનાયા નેચરલ ઓઈલ્સ', 'તાજ ડેરી', 'શ્રી રામ દુગ્ધાલય' અને 'કિસ્મત કાઠિયાવાડી' (અમિત નગર ચાર રસ્તા પાસે આવેલ) સહિતના વેપારીઓ અને ઉત્પાદકોના નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા છે. તહેવારોની મોસમમાં લોકો દ્વારા મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવતી હોય છે, ત્યારે આ પ્રકારની ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ બહાર આવવાથી ગ્રાહકોમાં રોષ અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.
વેપારીઓ સામે વડોદરા મનપાની લાલ આંખ
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર આ વેપારીઓ સામે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે લાલ આંખ કરવામાં આવી છે. લેબોરેટરી રિપોર્ટમાં ખાદ્ય પદાર્થો સબ સ્ટાન્ડર્ડ અને ભેળસેળયુક્ત હોવાનું સ્પષ્ટ થતાં કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંબંધિત પેઢીઓ અને સંચાલકો સામે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
