Vadodara: વાઘોડિયા રોડ પર ખટંબા ગામમાં આવેલી ‘વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ’ ટ્રસ્ટમાં હોદ્દેદારો અને ટ્રસ્ટીઓએ પરસ્પર મિલિભગત રચીને રૂપિયા 3.22 કરોડની સરકારી ગ્રાન્ટ અને ફીના નાણાંની ગેરરીતિ આચરી હોવાનો મામલો સામે આવ્યો છે.
આ કૌભાંડ અંગે અગાઉ પોલીસમાં કરાયેલી અરજી દફ્તરે કરી દેવાતાં આખરે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. અદાલતના કડક હુકમ બાદ વરણામા પોલીસે 15 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
સુભાનપુરા વિસ્તારમાં રહેતા અને કલેક્ટર કચેરીની આયોજન શાખામાં સિનિયર પ્રોજેક્ટ એસોસિએટ તરીકે ફરજ બજાવતા ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશકુમાર કિશોરભાઈએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.
કઈ રીતે આચરવામાં આવ્યું કૌભાંડ?
આ ટ્રસ્ટમાં એક જ પરિવારના સભ્યો હોદ્દેદારો તરીકે સક્રિય છે. ટ્રસ્ટના હોદ્દેદારો, કર્મચારીઓ અને આચાર્યએ ભેગા મળીને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તેના હેઠળ ચાલતી પાંચ શૈક્ષણિક સંસ્થાઓના ખોટા (બેનામી) બેંક એકાઉન્ટ ઊભા કર્યા હતા. આ એકાઉન્ટ્સ ઓડિટ રિપોર્ટમાં પણ દર્શાવવામાં આવ્યા ન હતા.
15 આરોપીઓએ અલગ-અલગ બેંક ખાતાઓમાંથી સરકાર દ્વારા જુદા-જુદા હેડ હેઠળ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી રૂા. 58.47 લાખ ઉપાડીને પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.
કોઈ પણ પ્રકારની મંજૂરી, ઠરાવ કે ટેન્ડર પ્રક્રિયા વગર જ બાંધકામ અને રિપેરિંગના નામે વેપારીઓને રૂા. 42.20 લાખ ચૂકવી દેવાયા હતા. તેમજ સરકારી ગ્રાંટના રૂા. 1,00,68,017 અને વિદ્યાર્થીઓની ફીના નાણાં રોકડેથી સ્વીકારી, ઓડિટ પર ચઢાવ્યા વગર કુલ રૂ. 3.22 કરોડની ઉચાપત કરવામાં આવી હતી.
આ સમગ્ર કૌભાંડમાં ખટંબા (વાઘોડિયા) ખાતે આવેલી સી.એન. પરમાર ગુરુકુળ વિદ્યાલય, અપગ્રેડ માધ્યમિક આશ્રમશાળા, સ્વ. મોંઘીબા છીતાભાઈ પરમાર બી.એડ. કોલેજ, પુષ્પાબેન એમ. ચૌહાણ આર્ટસ કોલેજ, પૂર્વી રોય પી.ટી.સી. કોલેજ તેમજ વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે આવેલી સી.એન. પરમાર બી.એડ. કોલેજનો સમાવેશ થાય છે.
પ્રમુખના સગા-સંબંધીઓ સહિત 15 સામે ગુનો
આ કૌભાંડમાં પ્રમુખના પોતાના સગા બહેન, બનેવી, કાકી અને ફોઈ સહિતના સભ્યો સંડોવાયેલા છે. જેમાં પ્રમુખના બહેન-બનેવી શીતલ મકવાણા અને અશોક મકવાણા ( રહે. ગોત્રી રોડ), કલ્પના પરમાર અને જગદીશ પરમાર (રહે. રાજેશ ટાવર રોડ), જીજ્ઞાશા પટેલ અને હસમુખ પટેલ (રહે.લક્ષ્મીપુરા રોડ), કાકી હીરાબેન પરમાર (રહે. ફતેપુરા) અને ફોઈ ભારતી પરમાર (રહે.સુભાનપુરા) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ સિવાય રાજેશભાઈ વાઘેલા, રાકેશભાઈ પી. સોલંકી, વેદસિંગભાઈ રાઠવા, લીલાબેન રાઠવા, ગિરીશકુમાર કાનજીભાઈ પટેલ, સંદીપ ગોહિલ અને હંસાબેન જે. ગાવિત. આ ચકચારી કૌભાંડ અંગે વરણામા પોલીસ સ્ટેશનના અધિકારી પી.આઈ. ચૌધરીએ ગુનો નોંધીને આગળની સઘન તપાસ અને અટકાયતની તજવીજ શરૂ કરી છે.
