Gir Somnath: સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર નજીકના દરિયામાં 3 યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જે પૈકી બે યુવકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક યુવક લાપત્તા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.
મહારાષ્ટ્રના 3 મિત્રો પરિવાર સાથે સોમનાથ દર્શન કરવા આવ્યા હતા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના 3 મિત્રો પોતાના પરિવાર સાથે સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. જ્યાં મંદિરમાં દર્શન કર્યાં બાદ તેઓ દરિયા કિનારે લટાર મારી રહ્યા હતા. આ દરમિયાન 3 યુવકો દરિયાની વધારે નજીક પહોંચી ગયા હતા. આ સમયે આવેલી મોજાની લહેરે ત્રણેય યુવકોને દરિયામાં ખેંચી લીધા હતા.
યુવકો દરિયામાં તણાવા લાગતા કિનારે રહેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક માછીમારો, પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યો હતો અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી.
જેમાં દોરડાની મદદથી બે યુવકોને પાણીમાંથી બહાર કાઢી લેતા તેમનો આબાદ બચાવ થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બચાવવામાં આવેલા બે યુવકોની ઓળખ રોહિત સરગમ (22) અને સુમિત તોડકરી (25) તરીકે થઈ છે, જ્યારે તેમનો મિત્ર વિઠ્ઠલ ભાલગાવકર (22) દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેની શોધખોળ માટે મરીન પોલીસ દ્વારા બોટની મદદથી દરિયામાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જો કે રાતનું અંધારું અને દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હોવાથી રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી છે.
