Gir Somnath Crime News: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામમાં ધોળા દિવસે લૂંટ વિથ મર્ડરની એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં આંગણવાડી નજીક એકલાં રહેતાં 85 વર્ષીય વૃદ્ધા રખમાંઈબેન પીઠાભાઈ બાંભણીયાની અજાણ્યા શખસો દ્વારા અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. લૂંટારૂઓએ વૃદ્ધાના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને તેમના બંને કાન કાપીને સોનાના દાગીનાની લૂંટ ચલાવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
ધોળા દિવસે બની લોહિયાળ ઘટના
મળતી વિગતો મુજબ, આ ઘટના બપોરે 3:00 થી 3:30 વાગ્યાના ગાળામાં બની હોવાનું અનુમાન છે. મૃતક રખમાંઈબેન ભીંગરણ ગામમાં પોતાના ઘરમાં એકલાં જ રહેતાં હતાં, જ્યારે તેમના પરિવારના ત્રણ દીકરાઓ અને અન્ય સભ્યો વાડી વિસ્તારમાં આવેલા ઘરે રહેતા હતા. વૃદ્ધા ઘરમાં એકલાં હોવાનો સીધો લાભ ઉઠાવીને લૂંટના ઈરાદે ઘૂસેલા અજાણ્યા શખસોએ આ લોહિયાળ ખેલ ખેલ્યો હતો.
બપોરના સમયે જ્યારે વૃદ્ધાના એક સંબંધી તેમના ઘરે સામાન્ય ખબરઅંતર પૂછવા માટે બેસવા ગયા ત્યારે તેમણે ઘરમાં જમીન પર લોહીથી લથપથ હાલતમાં વૃદ્ધાનો મૃતદેહ પડેલો જોયો હતો. આ ખૌફનાક દૃશ્ય જોઈને સંબંધીઓ આઘાતમાં સરી પડ્યા હતા અને ત્વરિત જ પરિવારજનો તેમજ ગ્રામજનોને જાણ કરી હતી.
કાન કાપીને સોનાના બૂટિયા અને કડીઓની લૂંટ
હત્યારાઓની રાક્ષસી મનોવૃત્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે માત્ર સોનાના ઘરેણાં મેળવવા માટે વૃદ્ધાનું ધારદાર હથિયાર વડે ગળું કાપી નાખ્યું હતું અને તીક્ષ્ણ હથિયારથી તેમના બંને કાન કાપીને કાનમાં પહેરેલાં સોનાના 2 બૂટિયા તથા સોનાની 3 કડીઓની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ આખું ગામ વૃદ્ધાના ઘરે ઉમટી પડ્યું હતું. ઘટના અંગે ભીંગરણ ગામના સરપંચ જયેશ સોલંકીએ જણાવ્યું હતું કે, બપોરે આશરે 4:00 વાગ્યે આ અંગે માહિતી મળતાં જ તેમણે ત્વરિત પોલીસને જાણ કરી હતી.
પોક મૂકીને રડી પડેલાં મૃતક વૃદ્ધાના પુત્રવધૂ લલિતાબેને આક્રોશ અને અશ્રુભીની આંખે જણાવ્યું હતું કે, "જો લૂંટારૂઓને દાગીના જ જોઈતા હતા તો મારા દાગીના પણ આપી દેત, પરંતુ મારા સાસુની આ રીતે નિર્મમ હત્યા ન કરવી જોઈતી હતી."
નવા બંદર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનાહિત સ્થળને સીલ કરીને ફોરેન્સિક (FSL) અને ડોગ સ્કવોડની મદદથી આગળની તપાસ શરૂ કરી છે. હત્યા માત્ર લૂંટના ઈરાદે જ થઈ છે કે પછી કોઈ અંગત અદાવત છે, તેમજ આ ગુનામાં કેટલા શખસો સંડોવાયેલા છે તે તમામ પાસાઓ પર પોલીસ ઘનશ્યામપૂર્વક તપાસ ચલાવી રહી છે.
