Bhuj-Delhi Express: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરથી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની રાજસ્થાનના પાલી ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ થયો છે.
મુખ્યમંત્રીએ કચ્છને નવી દિલ્હી સાથે જોડતી સીધી રેલ સેવાની ભેટ તેમજ તાજેતરમાં અમદાવાદ ધોલેરા સેમી હાઇ સ્પીડ પ્રોજેક્ટ મંજૂરીની ભેટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, ભારતીય રેલ એ પરિવહનની એક મહત્વપૂર્ણ કડી છે અને વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં પાછલા બાર વર્ષમાં રેલવેનો મોટાપાયે કાયાકલ્પ થયો છે.
આ પણ વાંચો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની પહેલી બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલનો વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગુજરાતે આ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ દ્વારા આધુનિક રેલવે ક્રાંતિમાં લીડ લીધી છે. એટલું જ નહીં પ્રોજેક્ટનો સૌથી વધુ ભાગ 348 km જેટલો ગુજરાતની ધરતી પર નિર્માણ થઈ રહ્યો છે.
તેમણે ગુજરાતમાં રેલવે નેટવર્કના વિકાસની ઝડપ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વધુ ગતિશીલ બની છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 2014 પછી રાજ્યમાં 2900 કિલોમીટર નવા ટ્રેકનું નિર્માણ થયું છે. આ ઉપરાંત રાજ્યમાં 1 લાખ 28 હજાર કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ કાર્યરત છે. 2014ની તુલનાએ 29 ટકા વધુ રકમ એટલે કે 17366 કરોડની રકમ ગુજરાતને રેલવે બજેટ અંતર્ગત આ વર્ષે ફાળવવામાં આવી છે..
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાને ગુજરાતને પાંચ વંદે ભારત, એક અમૃત ભારત અને એક નમો ભારત ટ્રેનની ભેટ આપવા સાથે વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યાત્રિકો સરળતાથી પહોંચી શકે તે માટે એકતા નગરને રેલવે સેવાઓની કનેક્ટિવિટી આપી છે.
આ તકે તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાનના નેતૃત્વ અને રેલ્વે મંત્રીના માર્ગદર્શનમાં આઝાદીનો આ અમૃતકાળ રેલવેને નવી ગતિ આપનારો અને વિકસિત ભારતના નિર્માણનો કાળ બનશે.
ભુજ-દિલ્લી એક્સપ્રેસ ટ્રેનને ભુજ રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવવાના આ અવસરે રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા તેમજ કચ્છ જિલ્લાના ધારાસભ્યો-પદાધિકારીઓ અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ તથા નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.
