VIDEO: ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મોટી કાર્યવાહીઃ 3548 કિલો ભેળસેળવાળી વરિયાળી અને 140 કિગ્રા લીલા કલરનો જથ્થો જપ્ત

ઊંઝા સ્થિત 'મે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી'માં ફ્લાઈંગ સ્કોડનો ઓચિંતો છાપો. વરિયાળીને આકર્ષક લીલો રંગ આપવા માટે એડલ્ટ્રન્ટ કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 22 May 2026 07:55 PM (IST)Updated: Fri, 22 May 2026 07:55 PM (IST)
mehsana-news-fennel-seeds-adulteration-factory-busted-in-unjha
HIGHLIGHTS
  • નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય રાજ્ય મંત્રીની 'ઝીરો ટોલરન્સ'ની નીતિ

Mehsana: નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચના અને સતત માર્ગદર્શન હેઠળ ખોરાક - ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં ભેળસેળિયા તત્વોની સામે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આ ઝુંબેશના ભાગરૂપે આજે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે વરિયાળીમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા સ્થળ પરથી કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજિત રૂ. 3.30 લાખની કિંમતનો 3,548 કિલોગ્રામ વરિયાળીનો છૂટક -લુઝ જથ્થો તેમજ ભેળસેળ કરવા માટે વપરાતો લીલો એડલ્ટ્રન્ટ કલરનો 140 કિલોગ્રામ પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજે ફ્લાઈંગ સ્કોડ દ્વારા ઊંઝામાં આવેલી 'મે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી' ખાતે અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન આ ફેક્ટરીમાં વરિયાળીને આકર્ષક લીલો રંગ આપવા માટે પ્રતિબંધિત કલરની ભેળસેળ કરવામાં આવતી હોવાનું ષડયંત્ર રંગેહાથ ઝડપાયું હતું.

આ ઉપરાંત, ફેક્ટરીના સંચાલકો આ જગ્યા પર ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી એવું સક્ષમ સત્તાધિકારીનું કોઈપણ પ્રકારનું ફૂડ લાઈસન્સ પણ ધરાવતા ન હતા. આમ, જનઆરોગ્યને નુકસાન પહોંચાડવાની સાથે-સાથે કાયદાના નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું.

અધિકારીઓ દ્વારા આ સમગ્ર જથ્થો સીઝ કરી, વરિયાળી તથા એડલ્ટ્રન્ટ તરીકે વાપરવામાં આવતા લીલા કલરના નમૂનાઓ વિશ્લેષણ અને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીમાંથી પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આ ફેક્ટરીના માલિકો સામે કાયદાની કડક કલમો હેઠળ આગળની કાનૂની કાર્યવાહી કરવા આરોગ્ય રાજ્ય મંત્રીએ કડક પગલા લેવાના આદેશ આપ્યા હતા.

રાજ્ય સરકાર જનઆરોગ્યના હિતમાં પ્રતિબદ્ધ રહીને સતત ચકાસણી અને દેખરેખની કામગીરી કરી રહી છે. આગામી સમયમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ભેળસેળિયા તત્વો સામે તંત્ર દ્વારા આવી જ કડક અને શિક્ષાત્મક કાર્યવાહી યથાવત ચાલુ રાખવામાં આવશે, તેમ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું.

વરિયાળીમાં ભેળસેળ છે કેવી રીતે ખબર પડે?

જો વરિયાળીને હથળે પર મસળવામાં આવે અને તેનો રંગ ઝાંખો પડી જાય, તો સમજો વરિયાળીમાં ભેળસેળ છે

વરિયાળીને પાણીમાં પલાળવામાં આવે અને પાણીનો રંગ બદલાઈ જાય, તો વરિયાળી ભેળસેળયુક્ત છે

જો વરિયાળીને મોંઢામાં મૂકતાં જ સ્વાદ તુરો લાગે અને વિચિત્ર સ્મેલ આવવા લાગે, તો સમજો તેમાં ભેળસેળ છે.