નાસ્તો કરાવવાના બહાને મહેસાણા રેલવે સ્ટેશન પરથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, પોલીસની 5 ટીમો દ્વારા શોધખોળ

પાલનપુર, મહેસાણા અને અમદાવાદ સહિતના રેલવે સ્ટેશન વિસ્તારમાં બાળકની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી બનાવ અંગે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 22 Nov 2026 03:34 PM (IST)Updated: Sun, 22 Nov 2026 03:34 PM (IST)
mehsana-news-threeyearold-child-abducted-from-railway-station

Mehsana News: મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. માતાને ગુટખા ખવડાવીને બાળકને નાસ્તો કરાવવા લઇ જવાનું બહાનું કરી રેલવે સ્ટેશન ખાતેથી અજાણ્યો શખ્સ અપહરણ કરીને લઇ ગયો હતો. બનાવ અંગે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. બાળક અને અપહરણકારને શોધવા માટે પોલીસની પાંચ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં ઘરકામ કરીને મહિલા ગુજરાન ચલાવે છે

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, રેશ્માબેન મૂળ કર્ણાટકના હુબલી ધારવાડ સોનુરના રહેવાસી અને અમદાવાદ સ્થિત ગોમતીપુરમાં એક હોટલમાં અને ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. આઠેક વર્ષ પહેલા પરિવાર સાથે મનદુઃખ થતાં તેઓ મુંબઇ અને ત્યારબાદ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં એક હોટલમાં જમવા જતી વખતે તેમને રામસિંહ મારવાડી સાથે પરિચય થયો હતો. તેઓ સાથે રહેવા લાગ્યા હતા અને રાજસ્થાનના શિવગંજના છોટા લોટીવાડા ખાતે પણ અવર-જવર રહેતી હતી. જેમાં સંતાનમાં બે બાળકો થયા હતા. પુત્ર રાહુલ અને પુત્રી સોના.

મહેસાણા રેલવે સ્ટેશને બે બાળકો સાથે મહિલા ઉતરી હતી

અવાર-નવાર ઝગડા થતા હોવાથી પતિ રામસિંહ છોડીને જતો રહ્યો હતો. છેલ્લા દોઢેક વર્ષથી રેશ્માબેન હોટલ પાસે ફૂટપાથ પર રહીને બાળકોનો ઉછેર કરી રહ્યાં હતા. દિવાળીના બીજા દિવસે રેશ્માબેન સાબરમતી રેલવે સ્ટેશનનથી રાજસ્થાનના છોટા લોટીવાડા ગામ જવા નીકળ્યા હતા. તેમને સિરોહી તરફ જવાનું હોવાથી મહેસાણા ખાતે બન્ને બાળકોને લઇને ઉતરી ગયા હતા. એક સ્ટોલ પાસે બેઠાં હતા ત્યારે એક યુવક તેમની પાસે આવ્યો હતો. તેમણે રેશ્મા બેનને ગુટખાની બે પડીકી આપી હતી.

અજાણ્યો યુવક બહાનું કરીને બાળકને સાથે લઇ ગયો

અજાણ્યો યુવક તેમની પાસે રહ્યો અને બાળકોને રમાડવા વાગ્યો હતો. જે દરમિયાન પુત્ર રાહુલને નાસ્તો કરાવવા બહાને એ યુવક તેની સાથે લઇ ગયો હતો. એકાદ કલાકનો સમય વિત્યા પછી પણ યુવક રાહુલને લઇને પરત ન આવતા રેશ્માબેનને લાગ્યું હતું કે, યુવક નજીકના પોલીસ સ્ટેશન ખાતે બાળકને મુકી ગયો હશે. તેથી તેઓ ટ્રેનમાં બેસીને આબુરોડ ગયા હતા. પાલનપુર, મહેસાણા અને અમદાવાદ સહિતના રેલવે સ્ટેશન વિસ્તારમાં બાળકની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી બનાવ અંગે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે પાંચ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી

જેમાં રેશ્માબેને અજાણ્યો યુવક 25થી 30 વર્ષનો હોવાનું અને તે હિન્દી ભાષા બોલતો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદમાં જણાવવામાં આવેલી વિગતોને આધારે પોલીસે બાળક અને અપહરણ કરનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા રેલવે સ્ટેશન અને તેની આસપાસના સીસીટીવીનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચારથી પાંચ જેટલી ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઇ છે. આ ઘટનામાં અમદાવાદ રેલવેની લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઇ છે.