Vadodara Laxmi Vilas Palace Garba: રાજવી પરિવાર દ્વારા આયોજિત વડોદરાના સુપ્રસિદ્ધ લક્ષ્મી વિલાસ પેલેસ (LVP) ના ગરબા મહોત્સવમાં પાર્કિંગ વ્યવસ્થાને લઈને ભારે વિવાદ સર્જાયો છે. હજારો રૂપિયાના મોંઘા પાસ ખરીદ્યા બાદ પણ પાર્કિંગની યોગ્ય સુવિધા ન મળતાં રોષે ભરાયેલા ખેલૈયાઓએ સ્થળ પર ભારે હંગામો મચાવ્યો હતો. આ મામલે ખેલૈયાઓએ આક્રોશ વ્યક્ત કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે, જેણે પેલેસ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી ખુલ્લી પાડી દીધી છે.
રાસ ગરબાની રમઝટ માણવા પહોંચેલા ખેલૈયાઓ જ્યારે પોતાના વાહનો પાર્ક કરવા ગયા, ત્યારે પાર્કિંગ સ્ટાફ અને બાઉન્સરો દ્વારા તેમની સાથે અત્યંત ગેરવર્તણૂક અને દાદાગીરી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ખેલૈયાઓનો આરોપ છે કે, યોગ્ય પાર્કિંગ જગ્યા બતાવવાને બદલે તેમને બાઉન્સરો અને પોલીસ બોલાવીને કાર્યવાહી કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.
હજારો રૂપિયાના પાસ ખરીદ્યા પછી પણ જો આ પ્રકારનું અપમાનજનક વર્તન સહન કરવું પડતું હોય, તો મેનેજમેન્ટનો આ દાવો પોકળ સાબિત થાય છે," તેમ રજૂઆત કરતા ખેલૈયાઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.
આ પાર્કિંગ વિવાદ અને ગેરવ્યવસ્થાની સીધી અસર કોર્પોરેટ રોડ અને મુખ્ય માર્ગો પર જોવા મળી હતી. પેલેસની બહાર યોગ્ય પાર્કિંગ વ્યવસ્થાના અભાવે મુખ્ય રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક જામના કારણે સ્થાનિક રહીશો તેમજ સામાન્ય વાહનચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ખેલૈયાઓના વિરોધ બાદ લક્ષ્મી વિલાસ પેલેસ (LVP) મેનેજમેન્ટની જવાબદારી અને આયોજન સામે અનેક સવાલો ઊભા થયા છે. સંસ્કારી નગરીના આટલા મોટા અને હાઈ-પ્રોફાઈલ ગરબા આયોજનમાં પાર્કિંગના નામે થતી દાદાગીરી અને ખેલૈયાઓની હેરાનગતિ સામે લોકોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે મેનેજમેન્ટ પાર્કિંગ વ્યવસ્થા સુધારવા માટે શું કડક પગલાં લે છે.
