Vadodara Food Department Raid: વિજયાદશમી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ તહેવાર નિમિત્તે શહેરમાં ફાફડા અને જલેબીનું રેકોર્ડબ્રેક વેચાણ થતું હોય છે. આ તહેવાર દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના ચારેય ઝોનમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ફૂડ વિભાગની વિવિધ ટુકડીઓએ વેપારીઓને ત્યાં દરોડા પાડીને ફાફડા, જલેબી તેમજ તેના ઉત્પાદનમાં વપરાતા રો મટિરિયલ (બેસન, તેલ, ગરમ મસાલા વગેરે)ના શંકાસ્પદ નમૂના લેવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે.
આ દરમિયાન શહેરની અત્યંત પ્રખ્યાત અને લોકપ્રિય ગુજરાતી રેસ્ટોરન્ટ 'પ્રસાદમ' પણ ફૂડ વિભાગની સ્કેનર હેઠળ આવી ગઈ છે. આ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા ખોરાકમાં જીવાત હોવાની ગંભીર ફરિયાદ એક ગ્રાહક દ્વારા કરવામાં આવી હતી. આ ફરિયાદને ધ્યાને લઈને ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક પ્રસાદમ રેસ્ટોરન્ટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
તપાસ દરમિયાન રેસ્ટોરન્ટના કિચનમાં ગંદકી જોવા મળી હતી. તેમજ ખાદ્ય સુરક્ષાના નિયમો અને અન્ય જરૂરી વ્યવસ્થાઓમાં ગંભીર ખામીઓ સામે આવી હતી. રસોડામાં હાઇજિનના માપદંડોનું પાલન ન થતું હોવાનું જણાતાં ફૂડ વિભાગે કડક વલણ અપનાવ્યું છે અને સંચાલકોને ફૂડ સેફ્ટી એક્ટના 'શિડ્યુલ-4' મુજબ તાત્કાલિક નોટિસ ફટકારી છે. નોટિસમાં કિચનની સ્વચ્છતા સુધારવા તેમજ તમામ ખામીઓ દૂર કરવા માટે સાત દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે.
ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે, સાત દિવસની મુદત પૂર્ણ થયા બાદ ટીમ ફરીથી રેસ્ટોરન્ટની મુલાકાત લઈને રી-ચેકિંગ કરશે. જો આ સમયગાળા દરમિયાન આપેલા સૂચનોનું પાલન નહીં કરવામાં આવે અને સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો જોવા નહીં મળે, તો રેસ્ટોરન્ટનું ફૂડ લાયસન્સ રદ કરવા સુધીની આકરામાં આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તહેવારોના દિવસોમાં આવી તપાસથી અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
