AAP MLA ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલનો આપઘાતનો પ્રયાસ, ઝેરી દવા ગટગટાવી લેતા હાલત ગંભીર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ભાઈની જેલ સજા અને કાનૂની સંઘર્ષને કારણે માનસિક તણાવમાં હોવાથી તેમણે આ પગલું ભર્યું હોવાનું મનાય છે, હાલ તેમની હાલત ગંભીર છે અને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 16 Oct 2026 04:51 PM (IST)Updated: Fri, 16 Oct 2026 04:51 PM (IST)
aap-mla-chaitar-vasavas-brother-attempts-suicide-condition-critical-in-surat-civil-hospital


Chaitar Vasava Brother Suicide Attempt: ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ અચાનક અગમ્યકારણોસર ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં અને રાજકીય વર્તુળોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમની તબિયત વધુ લથડતા અને સ્થિતિ નાજુક જણાતા વહેલી સવારે વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં હાલ તેઓ આઈસીયુ (ICU) વોર્ડમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા સારવાર હેઠળ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ધારાસભ્ય ચૈતર વસાવાને તાજેતરમાં કોર્ટ દ્વારા સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે તેમના નાના ભાઈ શાંતિલાલ વસાવા છેલ્લા લાંબા સમયથી ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં જીવી રહ્યા હતા.

મોટો ભાઈ જેલના સળિયા પાછળ હોવાથી અને કાનૂની સંઘર્ષના કારણે પરિવાર પર આવી પડેલી મુશ્કેલીઓથી તેઓ સતત ચિંતિત રહેતા હતા. આ સતત વધી રહેલા માનસિક બોજ અને આઘાતને સહન ન કરી શકવાના કારણે આખરે તેમણે આત્યંતિક ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ મામસે હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે, ઝેરી દવાની અસર શાંતિલાલ વસાવાના શરીરના આંતરિક અંગો સુધી પહોંચી હોવાથી દર્દીની હાલત ચિંતાજનક બનેલી છે. નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીની સ્થિતિ પર સતત 24 કલાક નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ વેન્ટિલેટર તેમજ ઇમરજન્સી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

બીજી તરફ આપઘાતનો પ્રયાસ કરનાર નાના ભાઈની હોસ્પિટલમાં સારવાર શરૂ થતાં જ ચૈતર વસાવાના સમર્થકો, સગા-સંબંધીઓ અને પક્ષના કાર્યકરો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.

આ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસે બનાવ સંદર્ભે નોંધ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે અને આપઘાત પાછળના અન્ય કોઈ પરિબળો કે કૌટુંબિક કારણો છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.