આપના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજરી આપવા મળ્યા 7 દિવસના શરતી જામીન, વડોદરા જેલમાંથી થયા મુક્ત

ચૈતર વસાવાને ગુજરાત વિધાનસભા સત્રમાં હાજરી આપવા 7 દિવસના શરતી જામીન મળ્યા. જામીન મળતાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી મુક્ત થઈ વિધાનસભા જવા રવાના થયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 09 Sep 2026 03:17 PM (IST)Updated: Wed, 09 Sep 2026 03:17 PM (IST)
chaitar-vasava-conditional-bail-7-days-assembly-session-vadodara-jail-release

Chaitar Vasava News: નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત મળી છે. ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે તેમને 7 દિવસના શરતી જામીન મંજૂર કર્યા છે. જામીન મંજૂર થતાં જ વહેલી સવારે તેમને વડોદરા મધ્યસ્થ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, જેને લઈને રાજકીય બેડામાં ભારે ચર્ચા જાગી છે.

ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા શરતી જામીન

પ્રાપ્ત વિગતો અનુસાર, નર્મદા જિલ્લાની કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી હતી, જેના કારણે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ સજા ભોગવી રહ્યા હતા. દરમિયાન, રાજ્ય વિધાનસભાનું ત્રણ દિવસીય વિશેષ સત્ર આજથી શરૂ થયું છે. જનપ્રતિનિધિ તરીકે વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવો અનિવાર્ય હોવાથી તેમના વકીલો દ્વારા કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. અદાલતે આ બાબતને ધ્યાને લઈને વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે શરતી મંજૂરી આપીને 7 દિવસના કામચલાઉ જામીન આપ્યા છે.

વડોદરા જેલમાંથી ચૈતર વસાવા મુક્ત થયા

આજે સત્રનો પ્રથમ દિવસ હોવાથી જામીન મુક્ત થતાં જ ચૈતર વસાવા સીધા જ વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવા માટે રવાના થયા હતા. નિર્ધારિત શરતો મુજબ, ત્રણ દિવસીય વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ તેમને નિયત સમયે પરત વડોદરા મધ્યસ્થ જેલમાં સરેન્ડર કરવું પડશે અને બાકીની સજા ભોગવવી પડશે.

સમર્થકો જેલ બહાર ઉપસ્થિત રહ્યા

વહેલી સવારે જ્યારે ચૈતર વસાવા વડોદરા જેલમાંથી બહાર આવ્યા ત્યારે જેલ બહાર ભવ્ય સ્વાગત જોવા મળ્યું હતું. તેમની મુક્ત થવાની ખબર સાંભળીને વડોદરા અને નર્મદા સહિત સમગ્ર રાજ્યમાંથી આમ આદમી પાર્ટી (આપ) ના સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો વડોદરા જેલ બહાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓએ 'ચૈતર વસાવા આગળ વધો' ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

સત્ર પૂરુ થતાં જેલ પરત ફરવુ પડશે

આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા અને આદિવાસી ચહેરા સમાન ચૈતર વસાવાના જેલમાંથી બહાર આવવાથી આપ છાવણીમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. ધારાસભ્ય હોવાના નાતે તેઓ પ્રજાના પ્રશ્નો અને અવાજને વિધાનસભા ગૃહમાં વાચા આપશે. સત્ર પૂર્ણ થતાં જ તેઓ ફરી જેલમાં પરત ફરશે, પરંતુ આ 7 દિવસના શરતી જામીન રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.